ગંભીર@ડીસા: ખરીદ વેચાણ સંઘમાં ભ્રષ્ટાચાર વિરોધી વહીવટદારોની ચાલાકી પકડાઇ, નિયમો નેવે મૂકી કરેલો જમીનનો દસ્તાવેજ રદ્દ

 
Deesa

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

ડીસા ખરીદ વેચાણ સંઘમાં ગત સમયે ભ્રષ્ટાચારની બૂમરાણ થતાં રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી વહીવટદારો નિમી દીધા હતા. આ વહીવટદારો મોટી મોટી વાતો કરતાં હતા કે, ભ્રષ્ટાચાર દૂર કરીશું અને સંઘને નાણાંકીય રીતે મજબૂત કરશું ત્યારે સભાસદોને મોટી આશા જાગી હતી. આ પછી વહીવટદારોએ અનેક નિર્ણયો લીધા તેમાં સંઘની એક જમીન વેચી દીધી હતી. સામેવાળા ભાઇને જમીનનો દસ્તાવેજ પણ કરી દીધો પછી આ વહીવટદારોનો અસલ વહીવટ બહાર આવવાની શરૂઆત થઇ હતી. જેમાં મંડળીના સભાસદોએ જમીન વેચાણનો વિરોધ કરી પ્રાંત અધિકારી સમક્ષ ફરીયાદ કરી હતી. જેની સુનાવણીને અંતે આજે જે નિર્ણય આવ્યો તે ચોંકાવનારો છે. નાયબ કલેક્ટરની કોર્ટમાં સામે આવ્યું કે, વહીવટદારોએ સહકારી મંડળીના નિયમો જોગવાઈઓને બેધ્યાન કરી હતી. આથી જમીનના દસ્તાવેજની નોંધ રદ્દ કરવાનો હુકમ થતાં ડીસા સહકારી આલમમાં ખળભળાટ મચી ગયો છે.

Deesa

કેસની ટૂંકમાં હકીકત એવી છે કે, મોજે-લાખણી તા—લાખણીના ખાતા નં. ૧૨૬૯ અને ૧૨૭૩ રિ.સ.નં. ૨૩, ૨૪ અને ૨૫ માં આવેલ હે.આરે. ૦–૦૫–૧૯ ચો.મી. વાળી જમીન ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડના ખાતે ચાલે છે. સદરહું મિલકત ધી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડ ના વહીવટી સમિતિએ પ્રતવિવાદી વાલજીભાઈ દેવસીભાઈ પટેલ રે.ઢેલીયાણા તા.વાવ જિ.બનાસકાંઠાનાઓને રજિસ્ટર દસ્તાવેજથી વેચાણ આપતા હકકપત્રકે વેચાણ નોંધ નં.૮૫૭૭ તા.૧૪/૧૨/૨૦૨૨ ના રોજ પડેલ છે. સદરહું નોંધ અંગે વિવાદી નં. ૧ થી ૪ નાઓએ વાંધા અરજી રજુ કરતા સર્કલ ઓફીસરશ્રી લાખણીએ તા.૩૦/૧૨/૨૦૨૨ ના રોજ તકરારી નોંધ તરીકે દાખલ કરી મામલતદારશ્ર લાખણીએ નોંધના નિર્ણય અર્થે અત્રે મોકલી આપેલ છે. વાંધા અરજી અન્વયે તકરાર અંગેની રજુઆત માટે સુનાવણીની મુદ્દત તા-૧૬/૦૧/૨૦૨૩, તા.૩૦/૦૧/૨૦૨૩, તા.૦૬/૦૨/૨૦૨૩, તા.૨૦/૦૨/૨૦૨૩ અને આખરી મુદત તા.૦૬/૦૩/૨૦૨૩ ની આપવામાં આવી. મુદતે વાદીશ્રી પ્રતિવિવાદીશ્રી/વકીલશ્રીઓએ હાજર રહી લેખિત રજુઆતો કરેલ છે. તેમજ વધુ લેખિત કે મૌખિક રજુઆત કરવા માંગતા ન હોઈ કેસ ઠરાવ ઉપર લેવામાં આવ્યો.

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં સહકારી પાયા ખૂબ મજબૂત છે ત્યારે ડીસા સહકારી ખરીદ વેચાણ સંઘ ઘણા સમયથી લાઇમ લાઇટમાં છે. ખરીદ વેચાણ સંઘમાં સ્વચ્છ વહીવટ માટે સરકારે તત્કાલીન ધારાસભ્ય સહિતના કેટલાક સભ્યો મૂકી વહીવટદારોની એક કમિટીને વહીવટ સોંપ્યો હતો. આ વહીવટદારોએ વખતોવખત ઘણાં નિર્ણયો લીધા તેમાં લાખણી ખાતે આવેલી સંઘની જમીન પણ વેચી દીધી હતી. લાખણીના ખાતા નં. 1269 અને 1273 રિ.સ.નં. 23, 24 અને 25 હે.આરે. ૦–૦૫-૧૯ ચો.મી. વાળી જમીન ઘી ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની હતી. આ બહુમુલ્ય જમીન વાલજી દેવસીભાઈ પટેલ રે.ઢેલીયાણા તા.વાવ વાળાને ડીસા ખરીદ વેચાણ સંઘના વહીવટદારોએ રજિસ્ટર્ડ દસ્તાવેજથી વેચાણ આપી દીધી હતી. આ જમીન વેચાણમાં મોટાપાયે ગોલમાલ અને ભ્રષ્ટાચારની કટકી થઈ હોવાની આશંકા જતાં સંઘ હેઠળની મંડળીના પ્રતિનિધિઓએ વાંધા અરજી રજુ હતી. સમગ્ર મામલો તબક્કાવાર નાયબ કલેક્ટર સમક્ષ પહોંચતા તપાસ અને સુનાવણી ગોઠવવામાં આવી હતી. જેમાં સામે આવ્યું કે, ડીસા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘે વેચેલી જમીન અંગે ગુજરાત સહકારી મંડળી અધિનિયમ, 1961 અને મંડળીઓના વહીવટ અંગેની જોગવાઈઓને ધ્યાને લીધી નથી. આટલું જ નહિ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી અધિનિયમની કલમ-10ની જોગવાઈઓને પણ ધ્યાને લીધા વગર વેચાણ કર્યું છે. 

ડીસા નાયબ કલેક્ટર કોર્ટની તપાસમાં બહાર આવ્યું કે, આ જમીન ખેતીની જમીન નહિ પરંતુ બિનખેતી જમીન ઉપરાંત ગોડાઉન તથા ઓફીસની સંયુકત સ્ટ્રકચરવાળી મિલકત છે. આથી તેનું ઈ-ધરા રેકર્ડે પાનીયુ ચાલુ હોવાથી ઓટો મ્યુટેશન હેઠળ ઈ-ધરા રેકર્ડે વેચાણ નોંધ દાખલ કર્યું તે ચોંકાવનારું છે. બિનખેતી થયેલ જમીન અંગે રેવન્યુ રેકર્ડના ગામ ન.નં. 7માં ફેરફાર નોંધી શકાય નહિ પરંતુ ગામ નમુના નં.2 માં રજીસ્ટર દસ્તાવેજ મુજબનો ફેરફાર કરાવી લેવાનો થાય છે. આથી ડીસા નાયબ કલેક્ટરે આ જમીન બિનખેતી જમીન હોવાથી ગામ ન.નં. 7 નું પાનીયુ બંધ કરી ગામ ન.નં. 2 નિભાવવા માટે દરખાસ્ત કરવા લાખણી મામલતદારને સુચનાથી આપી છે. આ સાથે લાખણીના હકકપત્રકે પડેલ વેચાણ નોંધ નંબર પણ નામંજુર કર્યો છે.

કોણ છે સંઘના સ્વચ્છ છબીનો દાવો કરતાં વહીવટદારો

વાલજીભાઈ દેવસીભાઈ પટેલ

ઈશ્વરભાઈ લીલાભાઈ દેસાઈ

શશીકાન્ત મહોબતરામ પંડયા

દવે વિપુલકુમાર દેવચંદભાઈ

ચૌધરી શંકરભાઈ ચેહરાભાઇ

માળી રમેશભાઈ મેંગાજી 

આ જાગૃત પ્રતિનિધિઓએ વાંધો લીધો 

કનૈયાલાલ દલા માળી 

મફાભાઈ ગમનભાઈ રબારી

વિરસીંગ રૂપસીંગ વાઘેલા

શ્રવણકુમાર કાન્તીલાલ દવે

દશરથભાઈ કાળુભાઈ ખટાણા

મેનેજર, જિલ્લા ખરીદ વેચાણ સંઘ,બનાસકાંઠા