દુ:ખદ@અરવલ્લી: વેપારી દંપતીની અમેરિકામાં હત્યા, મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા હતા દંપતી

 
Gun Culture

અટલ સમાચાર, ડેસ્ક

અમેરિકામાં અરવલ્લીના વેપારી દંપતીની હત્યા કરવામાં આવી છે. આ હત્યાકાંડ 6 ફેબ્રુઆરીએ ખેલાયો હોવાની વિગતો મળી રહી છે. અમેરિકામાં મોટેલ દંપતી મોટેલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. વેપારીની હત્યાથી અરવલ્લીમાં રહેતા તેમના સગા અને પરિવારજનોને ભારે આઘાત લાગ્યો છે. અંગત અદાવતમાં તેમની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ હત્યા પાછળ કયું કારણ જવાબદાર છે તે અંગે સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે અને બનાવના મૂળ સુધી પહોંચવાના પ્રયાસ કરવામાં આવશે.

અરવલ્લીના મેઘરજના મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા દંપતી રજનીકાંત વલ્લભદાસ શેઠ અને તેમના પત્ની નિરીક્ષાબેનની હત્યા કરવામાં આવી છે. બનાવ અંગે માહિતી મળતા તેમના પરિવારજનો અમેરિકા જવા માટે રવાના થયા છે. મેઘરજમાં તેમના સગાને ઘટના વિશે જાણીને ભારે આઘાત લાગ્યો છે. બનાવ અંગે જે વિગતો મળી રહી છે તેમાં મોટેલ ચલાવતા દંપતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, રજનીકાંત શેઠ પાછલા મહિને જ તેઓ ભારત આવીને અમેરિકા પરત ફર્યા હતા. તેમની સાથે અગાઉ મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો સાથે કોઈ બાબતે ખટરાગ થયાની વિગતો પણ સામે આવી રહી છે. આવામાં જૂની અદાવતમાં જ તેમની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. દંપતીની અમેરિકામાં તેમના ઘરે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સ્થાનિક લોકોની પજવણીના કારણે તેમણે મોટેલ વેચી દેવાની ફરજ પડી હતી, પરંતુ આમ છતાં તેમના પર અદાવત રાખીને રજનીકાંત શેઠ અને તેમના પત્ની નીરિક્ષાબેનની હત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટનાના કારણે તેમના વતન મેઘરજમાં શોકની લાગણી છે.