મોડાસા: જે.બી.શાહ સ્કૂલમાં ધો.10ની વિદ્યાર્થીનીનું રૂમ બહાર પટકાવાથી મોત
અટલ સમાચાર,મોડાસા
મોડાસાની જે.બી. શાહ ઇંગલિશ મીડીયમ સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું રૂમની બહાર પટકાવાથી મોત નિપજયુ છે. ધન્વી શાહ નામની વિદ્યાર્થીની શાળા છૂટ્યા પછી વર્ગ ખંડની બહાર નીકળતા અગમ્ય કારણોસર પટકાતા શાળાના શિક્ષકો તાબડતોડ ખાનગી હોપિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. જોકે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા ચકચાર મચી હતી. અચાનક વિદ્યાર્થીનીનું મોત નિપજતા ભારે શોકની લાગણી છવાઈ હતી.
મોડાસાની પંચજયોત સોસાયટીમાં રહેતી ધન્વી શાહ જે.બી. શાહ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતી હતી. સ્કૂલ છૂટવાના સમયે ક્લાસરૂમના અન્ય વિદ્યાર્થીઓ સાથે કલાસરૂમની બહાર નીકળી રહી હતી ત્યાં અગમ્ય કારણોસર ફસડાઈ પડતા સાથી વિદ્યાર્થીઓએ તાત્કાલિક શિક્ષકોને જાણ કરી હતી. જેને પગલે તાબડતોડ ધન્વી શાહને મોડાસાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી.
વિદ્યાર્થિનીનું મોત થયાની ખબર પડતાં જ શિક્ષકો શોકમગ્ન બન્યા હતા. ધન્વિનાં પરિવારજનો અને સગા-સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવી ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ ધન્વી શાહ છેલ્લા ત્રણ દિવસથી તાવ આવતો હોવાનું જાણવા મળ્યું હતું.