દુર્ઘટના@અરવલ્લી: અલગ-અલગ અકસ્માતમાં 2 આશાસ્પદ યુવકોના મોત
અટલ સમાચાર,મોડાસા
કોરોના મહામારી વચ્ચે અરવલ્લી જીલ્લામાં આજે માર્ગ અકસ્માતની બે અલગ-અલગ ઘટના સામે આવી છે. આ તરફ અકસ્માતમાં બે યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા છે. આજે સવારે સાઠંબાના ગાબટ રોડ પર ટ્રેક્ટરી ટક્કરે બાઇક સવાર અને મોડાસા-શામળાજી રોડ પર મરડીયા પાટીયા નજીક બાઇક ચાલકનું ટ્રકની ટક્કરે મોત થયુ છે. ઘટનાને લઇ સ્થાનિક પોલીસે મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ શરૂ કરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
અરવલ્લી જીલ્લામાં આજે બે માર્ગ અકસ્માતની ઘટનામાં બે આશાસ્પદ યુવકોના મોત થયા છે. જેમાં સાઠંબા-ગાબટ રોડ પર વ્રુંદાવન ક્વોરીમાં જવાના રસ્તા પાસે ટોટુંથી સાઠંબા તરફથી બાઈક સવાર કાળુંસિહ પરમાર પોતાનું બાઈક લઈને આવી રહ્યા હતા. ત્યારે તેજ દિશામાં આગળ જઈ રહેલુ ટ્રેકટર જમણી બાજુ વળવા જતાં બાઈક ચાલકને ટક્કર વાગતાં અકસ્માત સર્જાયો હતો. બાઈકસવાર કાળુસિહ પરમારને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નિપજાવી તેમજ પાછળ બેઠેલ વ્યક્તિને શરીરે ઈજાઓ પહોંચાડી ટ્રેકટરનો ચાલક ટ્રેક્ટર મુકી નાસી છુટ્યો હતો. ઘટના બાદ સાઠંબા પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને પી.એમ. માટે બાયડ મોકલી આપી હતી.
આ તરફ મોડાસા-શામળાજી રોડ પર આવેલા મરડીયા પાટિયા નજીકથી રવિવારે સવારે પસાર થતા સુરપુર ગામના 18 વર્ષીય આકાશ હિંમતસિંહ મકવાણા રોડ નજીકથી પસાર થઇ રહ્યો હતો. આ દરમ્યાન શામળાજી તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક ચાલક ધડાકાભેર ટક્કર મારી નાસી છૂટ્યો હતો. ટ્રકની અડફેટે યુવકનું ઘટનાસ્થળે મોત નિપજતા ઘર નજીક જ યુવકનું અકસ્માતમાં મૃત્યુ થતાં પરિવારજનો અને લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. ઘટનાને લઇ મોડાસા રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.