ક્રાઇમ@સુરત: પ્રેમિકાની સગાઈ થતાં જ પ્રેમીએ ઘરમાં ઘૂસી કર્યો હુમલો, પોતે પણ અગ્નિસ્નાન કરી જીવન ટૂંકાવ્યું
અટલ સમાચાર, ડેસ્ક
સુરતમાં એકતરફી પ્રેમનો હીંસક કરુણ અંજામ સામે આવ્યો છે. સરથાણા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ઓમ ટાઉનશીપમાં-3 પ્રેમીએ પ્રેમિકાની સગાઈ થઈ જતાં ઉશ્કેરાઈને તેના ઘરે પહોંચી જઈને પ્રેમિકા અને તેની બહેન પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. બાદમાં પોતે પેટ્રોલ સાથે લાવ્યો હોવાથી અગ્નિસ્નાન કરી લીધું હતું. હાલ ઈજાગ્રસ્ત બન્ને બહેનોને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.
ઓમ ટાઉનશીપના 17 નંબરના બિલ્ડીંગમાં રહેતી 19 વર્ષીય પલ્લવી નામની યુવતીને ઓમ ટાઉનશીપમાં જ 44 નંબરના બિલ્ડિંગમાં રહેતા 26 વર્ષીય અંકિત જયંતીભાઈ ભામણાએ ચપ્પુ મારી ઇજા પહોંચાડી હતી અને ત્યારબાદ યુવકે તેના જ ઘરમાં કરી મોતને વહાલું કર્યું હતું. 19 વર્ષીય પલ્લવી નામની યુવતી ને તેની જ ટાઉનશિપમાં રહેતા અંકિત નામના યુવક સાથે છ મહિના પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે યુવતીની બે દિવસ પહેલા જ પરિવાર દ્વારા સગાઈ કરી દેવામાં આવી છે. ત્યારે આજે યુવતીના પૂર્વ પ્રેમી અંકીત દ્વારા તેના ઘરે આવી તેની પ્રેમિકા પલ્લવીને ચપ્પુ મારી દીધું હતું. અને ત્યારબાદ યુવક પોતાની સાથે કેરોસીન લઈને આવ્યો હતો જે પોતાના શરીર પર છાંટીને અગ્નિ સ્નાન કરી લીધું હતું. જેને લઇ યુવક ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
યુવતીના પિતા શૈલેષગિરીએ કહ્યું કે, છરી લઈને આવેલો અને મારી દીકરીઓ પર હુમલો કર્યો હતો. અમારી દીકરીની સગાઈ કરી ત્યારથી હેરાન કરતો હતો. લગ્ન કરી લે મારી સાથે નહીતર મારી નાખીશ તેવી ધમકી આપતો હતો. આજે અમે કામ પર નીકળી ગયા હતાં. ત્યારબાદ આ બનાવ બન્યો હતો. હાલ સ્મીમેર હોસ્પિટલમાં દીકરીઓની સારવાર ચાલી રહી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. પીઆઇ વિરલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે આ બનાવમાં પ્રેમી અંગે યુવતીને ચપ્પુ મારીને હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યુવતીને સામાન્ય ઇજા થઈ હતી. જેને લઇ તેની હાલ સારવાર ચાલી રહી છે અને તેની સ્થિતિ સામાન્ય છે. પરંતુ યુવકે અગ્નિ સ્નાન કરી લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.જેથી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.