હવામાન@ગુજરાત: મોચા વાવાઝોડું નબળું પડતાં મોટી રાહત, ગરમીથી મળશે છુટકારો ?

 
Mocha Cyclone

અટલ સમાચાર, ડેસ્ક

મોચા વાવાઝોડાના કારણે ગુજરાતમાં અગ્ન વર્ષા થતી હોય તેવો અહેસાસ થયો હતો. હવે મોચા વાવાઝોડું નબળું પડ્યું તો કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે. રાજ્યમાં પહેલા પશ્ચિમ ઉતર પશ્ચિમના પવનો ફૂંકાતા મહત્તમ તાપમાન 44 ડિગ્રી ઉપર પહોંચી ગયું હતું. પવનની દિશા બદલાઇને પશ્ચિમ દિશા તરફથી પવન ફૂકાતા જ મહત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. જેના કારણે ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

હવામાન વિભાગનું અનુમાન છે કે, ગરમીમાંથી આંશિક રાહત મળશે. પવનની દિશા બદલાઇ છે અને મહત્તમ તાપમાન 39થી 41 ડિગ્રી વચ્ચે નોંધાઇ રહ્યુ છે. આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેશે. મહત્તમ તાપમાન ઘટતા ગરમીથી આંશિક રાહત મળશે. રાજ્યમાં 48 કલાક પહેલા તો મહત્તમ તાપમાન સામાન્ય કરતા 4થી 5 ડિગ્રી ઉપર નોંધાયું હતું. પરંતુ પવનની દિશા બદલાતા ગરમ રહેતા શહેરોનું તાપમાન ગગડીને સામાન્ય કરતાં પણ નીચું તાપમાન આવી ગયું છે.

અમરેલીનું મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી નોંધાયુ હતું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી નીચું છે. ભુજનું મહત્તમ તાપમાન 37.2 ડિગ્રી, જે સામાન્ય કરતાં 2 ડિગ્રી નીચું તાપમાન છે. રાજકોટનું મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી, જે સામાન્ય કરતાં 1 ડીગ્રી નીચું તાપમાન છે. સુરતમાં પણ 34.4 ડિગ્રી તાપમાન છે, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી નીચું તાપમાન નોંધાયું છે. 

નોંધનીય છે કે, સામાન્ય રીતે તો મે મહિનાના મધ્યમાં કાળઝાળ ગરમી પડતી હોય છે. તાપમાન 42 ડિગ્રીએથી નીચું રહેતું ન હોય, પરંતુ ચાલુ વર્ષે તો ઉનાળામાં મહત્તમ તાપમાન ઉંચુ રહેવાના બદલે વધુ દિવસો તો તાપમાન સામાન્ય કરતાં પણ નીચું રહ્યું છે. રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. ગઈકાલે પણ વાદળછાયું વાતાવરણ હતું અને આજે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે પણ ગરમીનું પ્રમાણ ઘટશે.