ગંભીર@મોરબી: દલિત યુવકને માર મારવાની ઘટનામાં 6 આરોપીઓ સામે એટ્રોસિટી, રાણીબા ભૂગર્ભમાં

અટલ સમાચાર, ડેસ્ક
મોરબીમાં દલિત યુવકના મોઢામાં ચપ્પલ મૂકી મારા મારવાના કેસમા મુખ્ય આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 6 આરોપીઓ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મોરબી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, આ ઘટનામાં ભોગ બનનાર યુવકનું નામ નિલેશ કિશોરભાઈ દલસાણીયા છે, જે 2 ઓક્ટોબરના રોજ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ રહ્યો હતો. બાદમાં કોઈ કારણોસર 18 ઓક્ટોબરે નોકરીએ આવવાનું ના પાડી દીધું હતું, પછી આ વાતને પગાર તારીખ સુધી કોઈ વાંધો આવ્યો નહોતો. પરંતુ કંપનીની પગાર તારીખે પગાર ના આવતા યુવકે પોતાનો પગાર લેવા માટે પહેલા તો ફોન કર્યો હતો. જ્યાં ઓફિસે આવીને લઈ જવા કહ્યું હતું. ત્યારબાદ પીડિત યુવક પોતાના પાડોશી સાથે કંપનીએ પહોંચ્યો હતો.
આ દરમિયાન ડી.ડી. રબારી નામના વ્યક્તિએ યુવક સાથે આવેલા પાડોશી યુવકને માર મારીને ભગાડી મૂક્યો હતો. ત્યારબાદ પિડિત નિલેશને આરોપી ઓમ પ્રકાશ, આરોપી રાજ પટેલ અને ઓફિસનો મેનેજર પરીક્ષિતે નિલેશન વાળ પકડીને મોઢામાં ચંપલ આપીને ઢોર માર્યો હતો. આ ઘટનામાં લેડી ડોનના વહેમમાં ફરતી વિભૂતિ પટેલ સહિતના સાગરીતો દ્વારા કમર પટ્ટા વડે તથા ઢીકાપાટુનો મુંઢ માર મારીને જ્ઞાતિ પ્રત્યે અડધૂત કર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી જાનથી મારી નાંખવાની ધમકી પણ આવી હતી.
આરોપીઓ દ્વારા નિલેશને બેફામ માર મારવામાં આવતા હાલ મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. નિલેશએ મોરબી એ ડિવિઝન પોલીસમાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહીત છ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા હાલ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ એટ્રોસિટી સહિતની આઇપીસી કલમ 323, 504, 506 વિગેરે મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે હાલ તે ફરાર થઈ ગઈ છે. અગાઉ પણ આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા ચર્ચામાં આવી હતી. વિભુતી પટેલ સોશિયલ મીડિયામાં અનેક આપતિજનક વીડિયો જોવા મળી રહ્યા છે. હાલ પોલીસે ગુનો નોંધતા વિભૂતી પટેલ ઉર્ફે રાણીબા ભૂગર્ભમાં ઉતરી ગઈ છે.