અપડેટ@રાજકોટ: આતંકીઓ પકડાવાના કેસમાં ATSની ટીમના પશ્ચિમ બંગાળમાં ધામા

 
Rajkot

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટમાંથી ઝડપાયેલા અલકાયદાના આતંકી સંગઠન સાથે સાંઠગાંઠ ધરાવતા આતંકવાદીઓને લઇને તપાસ તેજ થઇ છે. વધુ તપાસ માટે ગુજરાત ATSની ટીમે પશ્ચિમ બંગાળમાં ધામા નાખ્યા છે. તો રાજકોટમાં પણ ATSની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અલકાયદાની વિચારધારાથી પ્રભાવિત આ આતંકીઓ હથિયારો પણ ખરીદવાની ફિરાકમાં હોવાનું સામે આવ્યુ છે. તો વધુમાં માહિતી મળી છે કે આ આતંકીઓ પશ્ચિમ બંગાળના યુવકોને કટ્ટરવાદ તરફ દોરતા હતા.

 

હાલમાં ગુજરાત ATSની ટીમ દ્વારા આતંકીઓના સંપર્કમાં રહેલા પરિવારોના બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે. પકડાયેલા આતંકીઓ પશ્ચિમ બંગાળમાં અનેક યુવકોના સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યુ છે. મહત્વનું છે કે ગુજરાત ATSએ રાજકોટમાંથી ત્રણ દિવસ પહેલા ઝડપી પાડેલા આતંકીઓની તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે. આંતકીઓના ટાર્ગેટ પર ગુજરાતમાં આગામી સમયમાં આવનાર જન્માષ્ટમી તહેવાર હતો.

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી પર્વનું વિશેષ મહત્વ છે, લાખોની સંખ્યામાં લોકો પર્યટન સ્થળો, મંદિરો અને લોકમેળામાં ઉમટી પડતા હોય છે. ત્યારે આ જ તકનો લાભ ઉઠાવી આતંકીઓએ કાવતરું ઘડ્યું હતું. જો કે આ કાવતરાને ગુજરાત ATSએ નિષ્ફળ બનાવી લીધું છે.