અપડેટ@વડોદરા: હરણી બોટ દુર્ઘટના કેસમાં આરોપીઓની જામીન અરજી ફગાવાઇ
અટલ સમાચાર, ડેસ્ક
વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના કેસમાં કોર્ટે ત્રણ આરોપીની જામીન અરજી ફગાવી છે. આરોપી નેહા દોષી, તેજલ દોષી અને જતિન દોષીએ કોર્ટ સમક્ષ જામીન માટે અરજી કરી હતી. જો કે કોર્ટે તેમના જામીનની અરજીને ફગાવી દીધી છે.
સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર કોર્ટમાં દલીલ કરતા કહ્યું હતું કે આરોપીઓને જામીન આપવાથી કેસની તપાસ પર વિપરિત અસર પડી શકે છે. પીડિત પરિવારના વકીલે પણ આરોપીઓને જામીન ન આપવા કોર્ટમાં રજૂઆત કરી હતી. કોર્ટે દલીલોને ગ્રાહ્ય રાખીને ત્રણેય આરોપીની જામીન અરજી ફગાવી. આમ દુર્ઘટના કેસના ત્રણેય આરોપીઓને હવે જેલમાં જ રહેવું પડશે.
બીજી તરફ વડોદરા હરણી બોટ દુર્ઘટનાના બંને આરોપીઓની રિમાન્ડ દરમિયાન પોલીસે પુછપરછ કરી. 5-5 ટકાના ભાગીદાર દીપેન અને ધર્મિલની પોલીસ રિમાન્ડ દરમિયાન પુછપરછ કરવામાં આવી. બંનેએ કોટિયા પ્રોજેક્ટમાં એક જ વર્ષમાં ભાગીદારી 60 ટકાથી ઘટાડી 10 ટકા કરી હતી. ભાગીદારી ઘટાડવા પાછળનું શું કારણ હોઈ શકે તેની તપાસ કરવામાં આવી રહી છે.