રાહત@ગુજરાત: 72 દિવસ બાદ દેવાયત ખવડના જામીન હાઇકોર્ટ દ્વારા મંજૂર, રાજકોટમાં ન પ્રવેશવાની શરત

 
Devayat Khavad

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત હાઇકોર્ટ દ્વારા આખરે જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. છ મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશવાની શરત સાથે દેવાયત ખવડના હાઇકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ગત સાતમી ડિસેમ્બરના રોજ દેવાયત ખવડ સહિતના આરોપીઓ દ્વારા મયુરસિંહ રાણા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત એ ડિવિઝન પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ જુદા-જુદા ત્રણ આરોપીઓ હાજર થયા હતા. એ ડિવિઝન પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત ત્રણ આરોપીઓ વિરુદ્ધ ipcની કલમ 307 હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો હતો.

તાજેતરમાં જ દેવાયત ખવડ દ્વારા વચગાળાના જામીનની અરજી પણ કરવામાં આવી હતી. જે અંતર્ગત સેશન્સ કોર્ટ દ્વારા વચગાળાના જામીન આપી શકાય કે કેમ તે અંતર્ગત એ ડિવિઝન પોલીસનો અભિપ્રાય પણ માગ્યો હતો. જોકે, એ ડિવિઝન પોલીસના તપાસની અધિકારી દ્વારા અભિપ્રાય નકારાત્મક આપવામાં આવતા કોર્ટ દ્વારા દેવાયત ખવડની વચગાળાની જામીન અરજી ફગાવવામાં આવી હતી. જેના કારણે શિવરાત્રી પણ દેવાયત ખવડને જેલમાં જ વિતાવી પડી હતી. ત્યારે હવે આગામી દિવસોમાં ધુળેટીનો તહેવાર દેવાયત ખવડ જેલમાં નહીં પરંતુ રાજકોટ બહાર માણી શકશે. દેવાયત ખવડ છેલ્લા 72 દિવસથી જેલમાં બંધ છે.

શું હતો સમગ્ર મામલો ? 

ગત સાતમી ડિસેમ્બરના રોજ મયુરસિંહ રાણા નામની વ્યક્તિ પોતાની ઓફિસથી પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે દેવાયત ખવડ સહિતના બે વ્યક્તિઓએ કારમાંથી ઉતરી ધોકા વડે મયુરસિંહ રાણા ઉપર હુમલો કર્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થવા પામી હતી. સમગ્ર મામલે ઇજાગ્રસ્ત મયુરસિંહ રાણાને સૌ પ્રથમ રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દેવાયત ખવડ સહિતના આરોપીઓની શોધખોળ માટે ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્થાનિક પોલીસની જુદી-જુદી ટીમ બનાવવામાં આવી હતી. જોકે, દેવાયત ખવડ સહિતના આરોપીઓને પોલીસ પકડવામાં નાકામ રહી હતી. ત્યારે નવ દિવસ બાદ આખરે દેવાયત ખવડ સહિતના આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા  હતા.