ડીસાઃ મંદિરના ઓટલા ઉપરથી 15 વર્ષની મૂક દીકરી ગર્ભવતી હાલતમાં મળી આવતા ચકચાર મચી
women

અટલ સમાચાર, ડેસ્ત


ગુજરાતમાં મહિલાઓ સલામતીના દાવા પોકળ ગયા છે. ડીસા સાંઈબાબાના મંદિરના ઓટલા ઉપરથી 15 વર્ષની બોલી ન શકતી સગીરા તેના પેટમાં છ માસના ગર્ભ સાથે મળી આવી છે. તેની સાથે રહેલી માતાને એ ખબર નથી કે, પોતાની પુત્રી સાથે આ કુકર્મ કોણે ગુજાર્યું. એ તો માત્ર એટલું જણાવી રહી છે કે, ધાનેરામાં હતા ત્યારે અજાણ્યો શખ્સ બે વખત તેની પુત્રીને ઉઠાવી ગયો હતો અને પાછો મૂકી ગયો હતો. બંને માતા-પુત્રીને ડીસાના હિંદુ સંગઠન દ્વારા પાલનપુર સખી વન સ્ટોપ સેન્ટર માં ખસેડવામાં આવી છે. અને હવે વહીવટી તંત્ર દ્વારા આ મૂક દીકરી ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનાર શખ્સને શોધવા માટેના પ્રયત્નો હાથ ધરાયા છે.

બનાસકાંઠા જિલ્લામાં સભ્ય સમાજમાં ધૃણાસ્પદ કિસ્સો પુનઃ બહાર આવવા પામ્યો છે. આ અંગે ડીસાના હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોની જણાવ્યું કે, સાંઇબાબા મંદિરના ઓટલા ઉપર એક માતા તેની પુત્રી સાથે સપ્તાહથી એકલી-અટૂલી બેસી રહેતી હોવાનું સેવાભાવી એ કહેતા ટીમ સાથે ત્યાં ગયા હતા. જ્યાં 15 વર્ષની દીકરી બોલી શકતી ન હતી. તેની શારીરિક સ્થિતિ જોતા ગર્ભવતી હોવાનું જણાયું હતું. આ અંગે ડીસા પોલીસને જાણ કરી હતી. જ્યાં પોલીસની વોચ પણ ગોઠવવામાં આવી હતી. જોકે, કોઈ શખ્સો આ બંને માતા- પુત્રી પાસે ન આવતાં બનાસકાંઠા 181 અભયમને જાણ કરી તેમના દ્વારા બંનેની સલામતી માટે પાલનપુર સખી વન સ્ટોપ સેન્ટરમાં મુકવામાં આવી છે. 15 વર્ષીય સગર્ભા કિશોરીની માતાએ લાચારીવશ જણાવ્યું કે, અમે ધાનેરા રહેતા હતા. ત્યારે કોઈ અજાણ્યો શખ્સ મારી બોલી ન સકતી દીકરીને બે વખત ઉઠાવી ગયો હતો. જેના ઉપર દુષ્કૃત્ય ગુજાર્યું છે. હાલ તેના પેટમાં અંદાજીત છ માસનો ગર્ભ છે. આ શખ્સ કોણ હતો તેને હું ઓળખતી નથી.
 
ડીસા હિંદુ યુવા સંગઠનના પ્રમુખ નિતીનભાઈ સોનીએ જણાવ્યું કે બોલી ન સકતી સગર્ભા દીકરી અને તેની માતાને ન્યાય મળી રહે તે માટે અમો તેમજ સંગઠન સાક્ષી બનીશું. દીકરી ઉપર દુષ્કૃત્ય ગુજારનાર નરાધમને શોધવામાં અને તેને કડીમાં કડી સજા થાય ત્યાં સુધી આ કેસમાં મદદરૂપ બનીશું.,પાલનપુર સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલિકા આસ્કાબેન ઠક્કર અને જિજ્ઞાશાબેને જણાવ્યું કે મુક ગર્ભવતી સગીરા ગુમસુમ બેસી રહે છે. તેની માતાની પૂછપરછ કરી રહ્યા છીએ.