
અટલ સમાચાર, ડેસ્ક
ભાભરમાં વાવ રોડ પર આનંદ હોસ્પિટલમાં ડીગ્રી વગરના બોગસ તબીબ દ્વારા દર્દીઓની સારવાર કરતો મામલો સામે આવ્યો છે.આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન હોસ્પિટલમાં ઇન્જેકશન, એલોપેથિક દવાઓ અને એક્સ-રે મશીન મળ્યા હતા. આરોગ્ય વિભાગે ભાભર પોલીસને કાયદેસર કાર્યવાહી કરવા અને ગુનો નોંધવા લેખિત જાણ કરી છે.
સોમવારે ભાભર તાલુકા આરોગ્ય કચેરીના સ્ટાફે ભાભર-વાવ રોડ પર અખાણી ફાર્મ હાઉસ સામેની આનંદ હોસ્પિટલમાં બિનઅધિકૃત વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસ થતી હોવાની બાતમીના આધારે આકસ્મિક દરોડો પાડયો હતો. દવાખાનું ખુલ્લી હાલતમાં હતું. અહીં ગેરકાયદેસર પ્રેક્ટિસ થઇ રહી હોવાના પૂરાવા મળ્યા હતા. પ્રવિણભાઇ રામજીભાઇ ચૌધરી (મેડીકલ ઓફીસર, પી.એચ.સી. તેતરવા) સાથે તાલુકા હેલ્થ ઓફીસર અલ્પેશ છત્રાલીયા, ભાભર ફાર્માસીસ્ટ મહેન્દ્રભાઇ પાણ અને અરજદાર જનક રાઠોડે રેડ કરી ગિરીશકુમાર.ગોબરભાઇ સોલંકી (રહે. ચીમનગઢ (ખોડા), તા.કાંકરેજ)ને એલોપેથિક દવાઓનો જથ્થો, ચાલુ હાલતમાં એક્સ-રે મશીન સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી હતી.
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
તાલુકા આરોગ્ય અધિકારીએ આ અંગેની વિગત આપતાં જણાવ્યું હતું કે, ‘તપાસ દરમિયાન હાજર તબીબ ગિરીશ સોલંકીની ડીગ્રી અને રજીસ્ટ્રેશન બાબતે પૂછતાં તબીબ કોઇ પણ ડીગ્રી કે રજીસ્ટ્રેશન રજૂ કરી શક્યો નહી.’ જેના વપરાશ બાબતે પૂછપરછ કરતાં તેઓ કોઇ યોગ્ય જવાબ રજૂ ન કરી શકતાં તેઓની બિનઅધિકૃત તબીબી પ્રેક્ટીસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં હોવાથી અમારી ટીમ દ્વારા બોગસ તબીબ ગિરીશ,સોલંકી સામે ભાભર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ કરવા પોલીસને જાણ કરી છે.