બ્રેકિંગ@લાખણી: ગંજબજારમાં છાનાંછૂપી ભરતી મામલે અનેક ડિરેક્ટર અજાણ, રજીસ્ટ્રારે કર્યો નિયામકને રિપોર્ટ
lakhni

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

લાખણી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કર્મચારીઓની ભરતી મામલે આખરે જિલ્લા રજીસ્ટ્રારે રાજ્યના નિયામકને રિપોર્ટ મોકલી દીધો છે. છાનાછૂપી ભરતી કર્યા મામલે ગંજબજારના અનેક ડિરેક્ટરો પણ અજાણ હોવાનું સામે આવ્યું છે. આજે કેટલાક ડિરેક્ટરને પૂછતાં જણાવ્યું હતું કે, ભરતી વિશે ખાસ કોઈ જાણકારી નથી. બીજી તરફ જિલ્લા રજીસ્ટ્રારે જણાવ્યું હતું કે, જાહેરખબર વગર ભરતી અન્વયે ચેરમેન સહિત સમગ્ર ડિરેક્ટરોની જવાબદારી બને છે. આવી સ્થિતિમાં ભરતી મામલે એજન્ડા, ઠરાવ, સહીઓ, બોર્ડ મિટિંગમાં હાજરી સહિતના કાગળો તપાસમાં આવી શકે છે.


 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
બનાસકાંઠા જિલ્લાના લાખણી માર્કેટયાર્ડમાં કર્મચારીઓની ભરતી મામલે ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. માર્કેટયાર્ડના સત્તાધિશોએ સ્થાનિકોને જાણ કર્યા વગર બારોબાર છૂપી રીતે ભરતી પ્રક્રિયા આટોપી લીધી હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આજે સમગ્ર વિષયે જિલ્લા રજિસ્ટ્રારે સ્પષ્ટતા કરી હતી કે, સમાચાર રિપોર્ટ બરાબર છે તેમજ જવાબદારી બાબતે કહ્યું હતું કે, ચેરમેન સાથે તમામ ડિરેક્ટરોની ભરતી મામલે જવાબદારી બની શકે છે. આથી અટલ સમાચાર ડોટ કોમ દ્વારા આજે ત્રણેક ડિરેક્ટરોને પૂછતાં જણાવ્યું હતું કે, ગંજબજારમાં કર્મચારીઓની ભરતી બાબતે ખાસ કોઈ માહિતી નથી. આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે, શું મોટાભાગના ડિરેક્ટરોને આ ભરતી મામલે ખબર નહિ હોય ? શું ખબર હોવા છતાં અજાણ બનતા હશે ? છાનાછૂપા ભરતી કરવાનું શું કારણ ? શું ગંજબજારના સત્તાધિશોના લાગતાવળગતાને નોકરીમાં રાખવા છાનાછૂપી ભરતી કરી હશે ? આ તમામ સવાલો હવે રાજ્યના નિયામકના નિર્ણય માટે અગત્યના બન્યા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, લાખણી માર્કેટયાર્ડમાં સરેરાશ 17 કર્મચારીઓની ભરતી મામલે નિયમોનુસાર સ્થાનિક સ્તરે ખૂબ પ્રચારપ્રસાર કરવો જોઈએ. સ્થાનિક રોજગાર વાંચ્છુઓને સમાન તક મળવી જોઈએ. ભરતી થવાની સ્થાનિક તમામ શિક્ષિતોને જાણકારી મળવી જોઈએ અને અરજી કરવાની તક પણ મળવી જોઈએ. જોકે લાખણી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કેમ અને કયા કારણોસર જાહેરખબર વગર છાનાંછૂપી ભરતી કરી ? તે સૌથી મોટો સવાલ બન્યો છે.