ખળભળાટ@લાખણી: ગંજબજારમાં કર્મચારીની ભરતીમાં ગોટાળા, જાહેરાત કર્યા વિના મનસ્વી રીતે કરી ભરતી, તપાસમાં ખુલ્યું

જાહેરખબર આપ્યા વિના સરેરાશ 17 કર્મચારીઓની ભરતી કરી દેવામાં આવી હતી. આથી હવે બનાસકાંઠા જિલ્લા રજિસ્ટ્રારની કચેરી દ્વારા આગામી દિવસોમાં નિયામકને રિપોર્ટ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
 
LAKHANI

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

લાખણી તાલુકાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં કેટલાક મહિના પૂર્વે કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. જેમાં કથિત ગેરરીતિના આક્ષેપ સાથે રજૂઆત થઈ હતી. જેના અનુસંધાને થયેલી તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જીલ્લા રજીસ્ટ્રારે સમગ્ર વિષયે લાખણી માર્કેટયાર્ડ પાસેથી માહિતી મેળવી રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં ધ્યાને આવ્યું કે, કર્મચારીઓની ભરતીમાં અનિયમિતતા થઈ હતી. જાહેરખબર આપ્યા વિના સરેરાશ 17 કર્મચારીઓની ભરતી કરી દેવામાં આવી હતી. આથી હવે બનાસકાંઠા જિલ્લા રજિસ્ટ્રારની કચેરી દ્વારા આગામી દિવસોમાં નિયામકને રિપોર્ટ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

   અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
બનાસકાંઠા જિલ્લાના લાખણી માર્કેટયાર્ડના પારદર્શક વહીવટ વિરુદ્ધ ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. ગત ફેબ્રુઆરી 2022 દરમ્યાન 17 જેટલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. સ્લીપર અને કેટલાક કારકૂન સંવર્ગના કહી શકાય તેવા કર્મચારીઓની ભરતીમાં ગોટાળા થયા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. આથી સ્થાનિક અરજદારે બનાસકાંઠા જિલ્લા સહકારી મંડળીઓના રજીસ્ટારને અરજી કરી હતી. જેના આધારે લાખણી માર્કેટયાર્ડના સત્તાધિશો પાસેથી ભરતી સંબંધિત વિગતો મેળવવામાં આવી હતી. જેમાં કેટલીક વિસંગતતાઓ અને અનિયમિતતા મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના વિરાભાઇ પટેલે જણાવ્યું હતું કે, જાહેરખબર વગર સરેરાશ 17 કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. આથી જિલ્લા રજીસ્ટ્રાર મારફતે રાજ્ય નિયામકને રિપોર્ટ મોકલી આપીશું. આ ભરતી ગત ફેબ્રુઆરી 2022 દરમ્યાન થઇ હતી. જોકે કરાર આધારિત જૂના કર્મચારીઓને કાયમી કરીને ભરતી કરી હતી કે તદ્દન નવી ભરતી કરી હતી તેને લઈને કોઈ સ્પષ્ટતા મળી નથી.

LAKHNI ,

સૂત્રોએ જણાવ્યું હતું કે, લાખણી માર્કેટયાર્ડના સત્તાધિશોને આ બાબતે વાત કરતાં ગોળ ગોળ જવાબ આપ્યો હતો. ચેરમેન દેવજીભાઈ દેસાઇએ શરૂઆતમાં જણાવ્યું કે, મારા ધ્યાનમાં આવી કોઈ ભરતીનો વિષય આવ્યો નથી પાછળથી એવું કહ્યું કે, હા રજીસ્ટ્રાર કચેરીએ માહિતી મંગાવી હતી. આ પછી લાખણી માર્કેટયાર્ડના સેક્રેટરી વાઘેલાભાઇએ જણાવ્યું હતું કે, ભરતી બાબતેની માહિતી આપી દીધી છે એટલે હવે આગળની માહિતી રજીસ્ટ્રાર ઓફિસને ખબર હશે. સૌથી મોટી વાત એ સામે આવી કે, કેમ જાહેરખબર આપ્યા વિના મનસ્વી રીતે ભરતી કરી શું વ્હાલા દવલાને નોકરી આપી હશે ? આ સવાલ લાખણી માર્કેટયાર્ડના મતદારો માટે અગત્યનો બન્યો છે.