બ્રેકિંગ@લાખણી: માર્કેટયાર્ડના સત્તાધિશોએ કરેલી ભરતી રદ્દ કરવા હુકમ, અનેક કર્મચારીઓ હટાવવા પડશે
Lakhani marketyard
હુકમ છતાં અમલવારી નહિ થતાં બનાસકાંઠા જિલ્લા રજિસ્ટ્રારે આખરે વડી કચેરીને રિપોર્ટ મોકલી જાણ કરી 
અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર
લાખણી માર્કેટયાર્ડમાં કેટલાક સમય અગાઉ સત્તાધિશોએ કરેલી ભરતી મામલે ચોંકાવનારી કાર્યવાહી સામે આવી છે. અટલ સમાચાર ડોટ કોમ દ્વારા રિપોર્ટ પ્રસિદ્ધ થયા બાદ માર્કેટયાર્ડ આલમમાં ચકચાર મચી જવા પામી હતી. હવે સમગ્ર મામલે ગાંધીનગરથી હુકમ થયો છે કે, ભરતીમાં અનેક ક્ષતિઓ હોઇ નોકરીમાંથી છૂટા કરો. હુકમ થયાને કેટલાક દિવસો વીતી ગયા બાદ અમલવારી નહિ થતાં બનાસકાંઠા જિલ્લા રજિસ્ટ્રારે આખરે વડી કચેરીને જાણ કરતો પત્ર લખ્યો છે. જેમાં જણાવાયું છે કે, નોકરી મેળવનારને હજુસુધી છૂટા કર્યા નથી એવી જાણકારી અપાઇ છે. આવી સ્થિતિમાં વિવાદાસ્પદ ભરતીના અનેક કર્મચારીઓને નોકરીમાંથી હાથ ધોવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
બનાસકાંઠા જિલ્લાના લાખણી માર્કેટયાર્ડમાં અગાઉ કેટલાક અરજદારો પાસેથી આવેદન મંગાવી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ભરતી બાદ બનાસકાંઠા જિલ્લા રજિસ્ટ્રારને ધ્યાને આવ્યું કે, નિયમો અને જોગવાઈઓ વિરુદ્ધ ભરતી કરી હોવાથી તપાસ થઈ શકે. આથી પાલનપુર સ્થિત જિલ્લા રજીસ્ટ્રારની કચેરીએ સમગ્ર ભરતી પ્રક્રિયાનો અભ્યાસ કરી સઘળો રિપોર્ટ ગાંધીનગર સ્થિત વડી કચેરીને મોકલી આપ્યો હતો. આથી ગાંધીનગર સ્થિત વડી કચેરીએ આખરે વિવાદાસ્પદ બદલી રદ્દ કરવા હુકમ કરતાં ખળભળાટ મચી ગયો હતો. જોકે ભરતી રદ્દ કરવાના હુકમની અમલવારી નહિ થતાં જિલ્લા રજીસ્ટ્રારે રિપોર્ટ કર્યો છે કે, હુકમનો અમલ થયો નથી. હવે ગાંધીનગર સ્થિત વડી કચેરીએ ફરી એકવાર નિર્ણય લેવાની સ્થિતિ બની છે. ભરતી દરમ્યાન અનેક નિયમો અને પારદર્શકતા મામલે શંકાસ્પદ જણાતાં તપાસને અંતે ગાંધીનગરથી ભરતી જ રદ્દ કરવા હુકમ થતાં લાખણી ગંજબજાર આલમમાં ખળભળાટ મચી ગયો છે. 
આ તરફ લાખણી માર્કેટયાર્ડના ચેરમેનને પૂછતાં જણાવ્યું હતું કે, હા ભરતી રદ્દ કરવાનો હુકમ હોઈ ભરતી રદ્દ કરવા કર્મચારીઓને છૂટા કરવામાં આવશે. જ્યારે બનાસકાંઠા ઇન્ચાર્જ જિલ્લા રજિસ્ટ્રાર નિમેષ પટેલે જણાવ્યું હતું કે, ભરતી રદ્દ કરવાના હુકમની અમલવારી નહિ થતાં આગળની કાર્યવાહી માટે વડી કચેરીને રિપોર્ટ મોકલી આપ્યો છે.