બનાસકાંઠાઃ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં વેટેનરી વિભાગના વિદ્યાર્થીઓ ઈન્ટરશીપ ભથ્થાને લઈને હડતાળ પર ઉતર્યા
ફાઇલફોટો

અટલ સમાચાર, ડેસ્ક


બનાસકાંઠાની દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં વેટેનરી વિભાગના વિદ્યાર્થીઓ ઈન્ટરશીપ ભથ્થાને લઈને હડતાળ પર ઉતર્યા છે. ત્યારે આજે બીજા દિવસે પણ વિદ્યાર્થીઓએ હડતાળ જારી રાખી હતી. આજે પાલનપુર એરોમા સર્કલથી કલેક્ટર કચેરી સુધી વિદ્યાર્થીઓએ રેલી યોજી હતી. ઇન્ટરસીપ ભથ્થું વધારવાની માગને લઈ અવાર-નવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા અંતે વિદ્યાર્થીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. આજે રેલી યોજી અને માગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારી છે.

સરદાર કૃષિનગર વેટેનરી કોલેજ કામધેનુ યુનિવર્ષીટીના નેજા હેઠળ કાર્યરત દાંતીવાડા વેટેનરી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય સમયથી સરકાર દ્વારા આપવામાં આવતું ઇન્ટરશીપ ભથ્થું વધારવાની માગ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટરથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે. તેમ છતાં સરકાર દ્વારા વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાને ન લેવાતા અંતે વિદ્યાર્થીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ગઈકાલે દાંતીવાડા કૃષિ યુનિર્વિસટીના વેટેનરી વિભાગના 300 જેટલા વિદ્યાર્થીઓએ વેટેનરી કોલેજ બહાર જ ધરણા યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યારે આજે વિદ્યાર્થીઓએ કલેક્ટર કચેરી સુધી રેલી યોજી હતી.

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

ગુજરાત રાજ્ય બહાર વેટેનરી વિભાગના વિદ્યાર્થીઓને ઈન્ટરશિપ ભથ્થું વધારે આપવામાં આવે છે. જેની સામે ગુજરાત સરકાર દ્વારા માત્ર રૂપિયા 4200નું ભથ્થું આપે છે જેને લઇ આ વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય સમયથી મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. ત્યારે હવે આ ભથ્થું 4200 થી વધારી 18 હજાર કરવામાં આવે તેવી માગ સાથે આંદોલનની શરૂઆત કરી હતી. આજે વિદ્યાર્થીઓ પાલનપુર એરોમા સર્કલથી રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ વિદ્યાર્થીઓની માગણી નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.