ડીસાઃ ભોગ બનેલી મૂક-બધિર સગીરાએ બાળકને જન્મ આપ્યો, માતાએ ગર્ભપાત કરવા માટે કરેલી રિટ હાઇકોર્ટે નકારી હતી
childb

અટલ સમાચાર, ડેસ્ક

દુષ્કર્મનો ભોગ બનેલી ડીસાની મૂક બધિર સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો.ડીસામાં મંદિરના ઓટલેથી મળેલી મૂક ગર્ભવતી સગીરાને પાલનપુર સખીવન સ્ટોપ સેન્ટર દ્વારા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાઇ હતી. માતાએ ગર્ભપાત કરવાની રિટ હાઇકોર્ટે નકાર્યા બાદ ગુરૂવારે સગીરાએ હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો છે.
 
ડીસા જલારામ મંદિરના ઓટલા ઉપર રહેતી મૂક સગર્ભા સગીરા અને તેની માતાને બનાસકાંઠા 181 અભયમની ટીમ દ્વારા બે માસ અગાઉ પાલનપુર સખીવન સ્ટોપ સેન્ટરમાં મુકવામાં આવી હતી. જ્યાંથી સગીરાને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઇ હતી. દરમિયાન તેણીની માતા દ્વારા સગીરાનો ગર્ભપાત કરાવવા માટે હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી હતી.
 
આ રિટ કેસના પાલનપુરના વકીલ મનોજભાઇ ઉપાધ્યાયએ જણાવ્યુ કે, હાઈકોર્ટે જો ગર્ભપાત કરવામાં આવે તો માતા અને આવનારા બાળક ઉપર જીવનું જોખમ છે. જેથી બાળકને જન્મ આપવો પડશે. દરમિયાન ગુરૂવારે સગીરાએ હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. જ્યાં માતા અને બાળકની તબિયત સ્વસ્થ છે.
 
ગર્ભવતી સગીરાને સારવાર ઉપરાંત બાળક અવતરે તે પછી માતા અને બાળકને રહેઠાણ, સુરક્ષા, ખાધા ખોરાકી સહિત જીવન જરૂરિયાતની તમામ ચીજ વસ્તુઓ પૂરી પાડવા માટે બનાસકાંઠા જિલ્લા કલેકટરને હાઇકોર્ટે હુકમ કર્યો છે. જે મુજબ હવે સધળી જવાબદારી વહિવટીતંત્ર દ્વારા ઉઠાવવામાં આવશે. દરમિયાન આજ સુધી સગીરા પ્રત્યે માનવતાનું ધોરણ રાખનાર જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મીઓને હાઇકોર્ટે બિરદાવ્યા હતા.
 
હાઇકોર્ટ ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીને 15 દિવસમાં સહાય નક્કી કરી સગીરાને ચુકવવા માટે નો પણ હુકમ કર્યો હતો. જેમાં તેણીને રૂપિયા 5 લાખની સહાય ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. દીકરી માટે નિશુલ્ક કેસ લડનાર હાઇકોર્ટ ના વકીલ મનોજ ઉપાધ્યાયના માનવતા લક્ષી કાર્યની સરાહના કરવામાં આવી રહી છે. હાઇકોર્ટ ના આદેશ બદલ દીકરીને ન્યાય મળ્યાની તેમણે ખુશી વ્યક્ત કરી હતી.