ગુજરાતઃ વડાપ્રધાન વિરૂદ્ધ ટ્વિટ કરવા બદલ થયેલ ધરપકડ અગે, જીગ્નેશ મેવાણીને મળ્યા જામીન
jignesh-mewani

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને આસામની કોકરાઝાર કોર્ટમાંથી જામીન મળી ગયા છે. ગયા અઠવાડિયે આ ધારાસભ્યની અચાનક ધરપકડ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ટ્વિટ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. કોકરાઝારની એક કોર્ટે રવિવારે ગુજરાતના સ્વતંત્ર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો હતો. નોંધનીય છે કે, વડાપ્રધાન વિરુદ્ધ ટ્વિટ કરવા બદલ આસામ પોલીસે બુધવારે ગુજરાતમાંથી મેવાણીની ધરપકડ કરી હતી. આ પછી તે ત્રણ દિવસ પોલીસ કસ્ટડીમાં હતો.

વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીની બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સર્કિટ હાઉસમાંથી બુધવારે રાત્રિના 11.30 વાગ્યે આસામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર કરવામાં આવેલી એક ટ્વીટને કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેઓએ ટ્વીટ કરીને લખ્યું હતું કે, પીએમ મોદી, કે જેઓ ગોડસેને ભગવાન માને છે, તેઓ 20 તારીખથી ગુજરાત પ્રવાસ પર છે, અને તેઓએ ગુજરાતના ખંભાત, વેરાવળ અને હિંમતનગરમાં થયેલાં કોમી રમખાણો મામલે શાંતિ અને અમનની અપીલ કરવી જોઈએ. મહાત્મા મંદિરના નિર્માતા પાસેથી આટલી તો આશા બને છે ને?

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

આ ઉપરાંત અન્ય એક ટ્વીટમાં મેવાણી દ્વારા રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ ઉપર પણ આકરાં પ્રહાર કરતી એક ટ્વીટ કરવામાં આવી હતી. જિગ્નેશ મેવાણી સામે સેક્શન 120બી (ક્રિમિનલ ષડયંત્ર), સેક્શન 153એ (બે સમુદાય વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું), 295એ, 504 (શાંતિના ભંગને ઉશ્કેરવાના હેતુથી ઇરાદાપૂર્વકનું અપમાન) અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.