બનાસકાંઠાઃ 19 ગામમાં 223 પશુઓમાં લમ્પી વાઇરસ જોવા મળતા દોડધામ મચી, આ છે તેના લક્ષણો

જેમાં બનાસકાંઠા જિલ્લાના લમ્પી વાઇરસ અસરગ્રસ્ત તાલુકાઓમાં કરવાની કામગીરી સર્વે અને સારવાર અંગે ચર્ચા કરવામાં આવી હતી.
 
બનાસકાઠા

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠા જિલ્લાના 5 તાલુકાઓના 19 ગામમાં 223 પશુઓમાં આ વાઇરસ જોવા મળ્યો છે. લમ્પી વાઇરસને પ્રસરતો અટકાવવા પાલનપુર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પશુપાલન વિભાગ અને બનાસ ડેરીના વેટર્નરી ર્ડાકટરો સાથે બેઠક યોજાઇ હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના લમ્પી વાઇરસ અસરગ્રસ્ત તાલુકાઓમાં કરવાની કામગીરી સર્વે અને સારવાર અંગે ચર્ચા કરવામાં આવી હતી.

વાઇરસને પ્રસરતો અટકાવવા સર્વે અને સારવાર પર ભાર મુકતાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ જણાવ્યું કે, લમ્પી વાઇરસથી પશુપાલકોએ બિલકુલ ગભરાવાની જરૂર નથી, આ વાઇરસ એક પશુમાંથી બીજા પશુમાં ફેલાય છે. આ વાઇરસમાં પશુને સામાન્ય તાવ આવે, આંખ-નાકમાંથી પ્રવાહી આવે, આખા શરીર પર ગાંઠો જેવા નરમ ફોલ્લા પડે, પશુ ખાવાનું બંધ કરે જેવા સામાન્ય લક્ષણો દેખાય તો તાત્કાલિક 1962 નંબર અથવા તો નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવો.


બેઠકમાં સંયુક્ત પશુપાલન નિયામક ર્ડા. કે. જી. બ્રહ્મક્ષત્રિયએ જણાવ્યું કે, લમ્પી વાઇરસ માખી, મચ્છર અને ઇતરડીથી ફેલાય છે તેને પ્રસરતો અટકાવવા જે પણ પશુઓ વાઇરસ અસરગ્રસ્ત છે તેને બીજા પશુઓથી અલગ રાખવા જોઇએ. પશુઓને દૂષિત પાણી અને ખોરાક ન આપવા તથા નાના બચ્ચાઓ અને ગાભણ પશુઓની ખાસ કાળજી રાખવી. બનાસકાંઠા જિલ્લામાં પશુઓ ધણના સ્વરૂપે છુટા ચરવા જવાના બદલે પશુપાલકોના ખેતરમાં અલગ અલગ જગ્યાએ રાખવામાં આવે છે જેથી આ વાઇરસ ઝડપથી ફેલાવાની શક્યતા ઓછી છે. બહારથી લાવવામાં આવતા પશુઓનું મોનીટરીંગ રાખી તેમને અલગ રાખવામાં આવે તે જરૂરી છે.