માર્કેટ@બનાસકાંઠા: વધુ એક ગંજબજારમાં કર્મચારીઓની ભરતી મામલે આશંકા, કડક તપાસ થાય તો થશે ઘટસ્ફોટ
બનાસકાંઠા જિલ્લો
સ્થાનિકે સમગ્ર મામલે કલેક્ટર કચેરીએ રજૂઆત કરતાં અરજી ખેતીવાડી કચેરીએ પહોંચી પરંતુ કલેક્ટર પરત જતાં હવે જિલ્લા રજીસ્ટ્રાર સમક્ષ પહોંચી શકશે
અટલ સમાચાર ડોટ કોમ, પાલનપુર
લાખણી તાલુકા માર્કેટયાર્ડમાં કર્મચારીઓની ભરતી મામલે નિયામકને રિપોર્ટ થયાના સમાચાર બાદ વધુ એક આશંકા સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના વધુ એક ગંજબજારમાં કર્મચારીઓની ભરતી મામલે આશંકા વ્યક્ત કરી અનેક તર્કવિતર્કો ઉભા થયા છે. સ્થાનિકોમાં ચર્ચા થઈ રહી છે કે, અંતરિયાળ વિસ્તારના ગંજબજારમાં નિતીનિયમો નેવે મૂકી કેટલાક કર્મચારીઓની ભરતી કરી દેવામાં આવી હતી. આ ગંજબજારમાં સત્તાધિશોને વારાફરતી પેનલ વચ્ચે ક્યાંક ભરતી આટોપી લેવામાં આવી હતી. જેમાં પારદર્શક રીતે નિયમો અનુસાર ભરતી નહિ થયાના આક્ષેપ સાથે રજૂઆત પણ કરવામાં આવી છે. 
બનાસકાંઠા જિલ્લાના લાખણી બાદ વધુ એક ગંજબજારમાં કર્મચારીઓની ભરતી મામલે આશંકા સામે આવી છે. લાખણી માર્કેટયાર્ડની જેમ વધુ એક ગંજબજારમાં પણ ભરતી સંબંધિત નિયમોને સંપૂર્ણ રીતે અનુસર્યા નહોતા. સમગ્ર મામલે જિલ્લા રજીસ્ટ્રાર કચેરીએ પૂછતાં જણાવ્યું હતું કે, હાલના તબક્કે લાખણી સિવાય બીજા કોઈ માર્કેટયાર્ડની રજૂઆત નથી. જોકે કલેક્ટર કચેરીના પત્ર આધારે જિલ્લા ખેતીવાડી અધિકારીને પૂછતાં જણાવ્યું હતું કે, હા એક માર્કેટયાર્ડમાં ભરતી અને કેટલાક વહીવટ નિયમો બાબતે રજૂઆત આવી છે પરંતુ અમારી કચેરીને લગત ના હોઇ કલેક્ટર કચેરીએ પરત કરી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં સહકારી રાજકારણ ખૂબ મોટા પાયે છે. આ સહકારી રાજકારણ પણ જ્ઞાતિ મુજબના મતદારો અને દિગ્ગજ નેતાગીરી ઉપર સૌથી વધુ આધારિત છે. આવી સ્થિતિમાં કોઈપણ ગંજબજારના પારદર્શક વહીવટ વિરુદ્ધ આવતી રજૂઆતો જો સચોટ તથ્ય સાથેની હોય તો તપાસ પણ પારદર્શક થાય છે. આથી જો આ રજૂઆતનો પત્ર કલેક્ટર કચેરીએ પહોંચ્યો છે તો સંભવતઃ જિલ્લા રજીસ્ટ્રાર સમક્ષ આવશે તો તપાસનો વિષય બની શકે છે.