પાલનપુરઃ 108 એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો, કાર ચાલકને ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયો
palpoor

અટલ સમાચાર, ડેસ્ક

પાલનપુર રતનપુર પાસે મોડી રાત્રે 108 એમ્બ્યુલન્સ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. 108 એમ્બ્યુલન્સ વડગામના દર્દીને પાલનપુર હોસ્પિટલમાં મૂકીને આવતા રતનપુર પાસે એક કાર ચાલકે અન્ય વાહનને ઓવરટેઇક કરવા જતાં સામેથી આવી રહેલા 108 એમ્બ્યુલન્સને ટકરાતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે.


બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતોમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. જેમાં રાત્રીના સમયે 108 એમ્બ્યુલન્સ વડગામના દર્દીને પાલનપુર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મૂકી પરત વડગામ ગામ તરફ જતા પાલનપુર તાલુકાના રતનપુર પાસે મોડી રાત્રે એક કાર ચાલકે ઓવરટેક કરવા જતા સામેથી આવી રહેલી 108 એમ્બ્યુલન્સને ધડાકાભેર ટક્કર મારી હતી.


કાર ટકરાતા એમ્બ્યુલન્સ રોડની સાઈડમાં ખાબકી હતી. અકસ્માતના કારણે કાર ચાલકને ઇજાઓ પહોંચી હતી. બનાવના પગલે સ્થાનિક લોકો દોડી પહોંચી ઇજાગ્રસ્ત કાર ચાલકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં કાર તેમજ 108 એમ્બ્યુલન્સને મોટુ નુકશાન પહોંચ્યું હતું. સમગ્ર બનાવને લઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.