પાલનપુરઃ દિકરીએ દારૂ માટે અનાજ વેચવાની ના પાડતા પિતાએ લાકડીથી માર માર્યો, માથાના ભાગે ગંભીર ઇજાઓ

ખૂણામાં પડેલી લાકડી લઈ દીકરી ઉપર તૂટી પડ્યો હતો. જેના હાથના ભાગે તેમ જ માથામાં લાકડીનો ઘા મારી દેતા પૂજા લોહી લુહાણ હાલતમાં જમીન ઉપર પડી ગઈ હતી.  
 
પાલનપુર

અટલ સમાચાર, ડેસ્ક

બનાસકાંઠા જીલ્લાના પાલનપુર તાલુકાનાગામે દારૂના નશામાં ધુત બનેલા પિતાને દારૂ પીવા માટે અનાજ વેચવા જવાની 12 વર્ષની દીકરીએ ના પાડી હતી. આથી તેણે ઉશ્કેરાઈને ખૂણામાં પડેલી લાકડી દીકરીના માથામાં ફટકારી દીધી હતી. ઘરમાં લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. જેને આજુબાજુના લોકોએ તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. ત્યાં તેની હાલત ખૂબ જ ગંભીર છે.

પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામે રહેતા ખુમાજી ફતાજી ઠાકોરના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનો છે જેમાં દીકરી પૂજા (ઉ.વ.12) ગામની પ્રાથમિક શાળામાં ધોરણ છ માં અભ્યાસ કરે છે. ખુમાજી ઠાકોર ખેતી પશુપાલન અને મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. જે ગુરુવારે સાંજે નશામાં ધુત બની ઘરે આવ્યો હતો. અને ઘરમાં પડેલું અનાજ (ઘઉં) દુકાનમાં વેચી દારૂ લેવા માટે જઈ રહ્યો હતો. સ્કૂલમાંથી આવેલી દીકરીએ બાપા તમે દારૂ પીવામાં શા માટે અનાજ વેચી મારો છો તેમ કહેતા ખુમાજી ઉશ્કેરાઈ ગયો હતો. અને ખૂણામાં પડેલી લાકડી લઈ દીકરી ઉપર તૂટી પડ્યો હતો. જેના હાથના ભાગે તેમ જ માથામાં લાકડીનો ઘા મારી દેતા પૂજા લોહી લુહાણ હાલતમાં જમીન ઉપર પડી ગઈ હતી.  

  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
સુત્રોએ જણાવ્યુ હતુ કે, પૂજાની ચીસો સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા જેમને જોઈ ખુમાજી નાસી ગયો હતો. દરમિયાન ગંભીર હાલતમાં પૂજાને 108 દ્વારા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. આ અંગે હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે, પૂજાના માથામાં ગંભીર ઇજાના કારણે હેમરેજ થયું છે. 13 ટાંકા લેવા પડ્યા છે. માથાના સિટીસ્કેનનો રિપોર્ટ આજે આવશે. જેના ઉપરથી તેની સ્થિતી જાણી શકાશે અને અમદાવાદ વધુ સારવાર અર્થે ખસેડવી કે કેમ તેનો નિર્ણય લેવાશે.