પાલનપુરઃ લૂંટેરી દુલ્હનની પોલીસે 3 આરોપીઓ સાથે ધરપકડ કરી, આવા 6 ગુના કબુલ કર્યા

22 માર્ચ 2022ના દિવસે તેણીને લઈને પાલનપુર આવ્યા હતા, જ્યાં તેમને યુવક ભાવેશભાઈ પાસેથી લગ્ન માટે 1,60,000 રૂપિયા અને ગાડી ભાડાના 10,000 રૂપિયા મળી કુલ 1,70,000 રૂપિયા લીધા હતા.
 
આરેોપી

અટલ સમાચાર, ડેસ્ક
 
બનાસકાંઠાના પાલનપુર પંથકમાં એક યુવક સાથે પૈસા લઈને લગ્ન કર્યા બાદ લૂંટેરી દુલ્હન ફરાર થઇ જતા છેતરપિંડીનો ભોગ બનેલા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં પોલીસે છ લોકો સાથે ખોટા લગ્ન કરાવી છેતરપિંડી આચરી હોવાના ગુનામાં ઠગાઈ કરનાર લૂંટરી દુલ્હન સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠાના પાલનપુર પંથકમાં લગ્ન વાંચ્છુક યુવકોને વિશ્વાસમાં લઈ તેઓના ખોટા લગ્ન કરાવી તેમની સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરતી ટોળકીનો પાલનપુર તાલુકા પોલીસે પર્દાફાશ કર્યો છે.

સમગ્ર મામલાની વાત કરીએ તો પાલનપુર તાલુકાના નળાસર ગામના ભાવેશભાઈ ચૌહાણ (દરજી)ને બે વર્ષ અગાઉ અકસ્માત થયો હોઈ તેમના એક પગે ફ્રેક્ચર થયું હતું. જેથી તેઓ બરાબર ન શકતા હોવાથી તેમના સમાજમાં કોઈ યુવતી તેમની સાથે લગ્ન કરવા તૈયાર થતી ન હતી. જેથી ભાવેશભાઈના લગ્ન કરાવવા માટે પાલનપુરના તેમના મિત્ર મહેશભાઈ ઓડે તેમનો પરિચય પંચમહાલ જિલ્લાના કલોલ તાલુકાના શૈલેષભાઈ ઓડ સાથે કરાવ્યો હતો. જેણે પાવાગઢના હૈદરઅલી ઉર્ફે એઝાઝ કાઝી સાથે મુલાકાત કરાવી મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના અકલકોટ તાલુકાના દેવકોટીની સુરેખાબેન રામકૃષ્ણ ક્ષત્રિયને બતાવી હતી. ત્યાર બાદ 22 માર્ચ 2022ના દિવસે તેણીને લઈને પાલનપુર આવ્યા હતા, જ્યાં તેમને યુવક ભાવેશભાઈ પાસેથી લગ્ન માટે 1,60,000 રૂપિયા અને ગાડી ભાડાના 10,000 રૂપિયા મળી કુલ 1,70,000 રૂપિયા લીધા હતા.

આ જ સમયે ફુલહાર અને મૈત્રી કરાર કરાવી સુરેખાને ભાવેશ ચૌહાણની પત્ની બનાવી તેના ઘરે મોકલી હતી. જોકે, 10-15 દિવસ દુલ્હન બની આવેલી યુવતીને તેની માતા બીમાર છે તેવું બહાનું બનાવી આરોપીઓ પોતાની સાથે લઇ ગયા હતા. બાદમાં સુરેખા પરત ન આવતા ભાવેશ ચૌહાણને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતાં પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર તાલુકા પોલીસે ગુનો નોંધાતા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હતી.
 ટીમે હ્યુમનસેન્સ ટેક્નિકલ સર્વેલન્સની મદદ વડે ત્રણ આરોપીઓ (1) હૈદરઅલી ઉર્ફે એઝાઝ (2) સુરેખાબેન રામકૃષ્ણ ક્ષત્રીય (મહારાષ્ટ્ર) (3) શૈલેષભાઈ રામાભાઈ ઓડની ધરપકડ કરી હતી. પોલીસે લૂંટરી દુલ્હન સુરેખા સહિત ત્રણેય આરોપીઓને ઝડપી જેઓની પ્રાથમિક પૂછપરછ કરતા આરોપીઓએ છ ગુનાની કબૂલાત કરી છે.


આરોપીઓએ કરેલા ગુનાઓની કબૂલાત: 1) પ્રથમ આરોપીઓએ ધોળકા મુકામે રહેતા છોકરા સાથે પૂજા નામની છોકરીના લગ્ન રૂ.1,30,000 માં કરાવ્યા હતા. 2) બીજા લગ્ન મહેશભાઈ મગનભાઈ સાથે કાજલ નામની છોકરીના કરાવ્યા હતા. આ માટે રૂ. 1,60,000 પડાવ્યા હતા. 3) ત્રીજા લગ્ન પાલનપુરના નળાસરના ભાવેશભાઈ ચૌહાણ સાથે સુરેખાના રૂ.1,70,000 લઈને કરાવ્યા હતા. 4) ચોથા લગ્ન રવિભાઈના ભારતી નામની છોકરી સાથે લગ્ન રૂ.1,10,000 લઈને કરાવ્યા હતા. 5) પાંચમાં લગ્ન અમદાવાદ નરોડા ખાતે રહેતા બાહ્મણ દીકરાના લગ્ન રાધિકા નામની છોકરી સાથે લગ્ન રૂ.1,70,000 લઈને કરાવ્યા હતા. 6) છઠ્ઠા લગ્ન ટુવડ તા. શંખેશ્વર જી. પાટણના રહેવાસી મનોજભાઇ ઓડના સુનીતા નામની છોકરી સાથે લગ્ન રૂ.1,20,000 લઈને કરાવ્યા હતા.