હિંમતનગરઃ 5 દિવસ પહેલા થયેલી લૂંટ કરનારી બે મહિલા સહિત ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા

અટલ સમાચાર, ડેસ્ક
હિંમતનગરના આંબાવાડી નજીક માચીસ ફેક્ટરીમાં રહેતા વૃદ્ધા 70 વર્ષીય વૃદ્ધા વિનુબા શેતાનસિંહ કાળુસિંહ ડાભી પાંચ દિવસ પહેલા શ્રાવણ માસમાં બપોરના સાડા ત્રણ વાગે ઘરેથી ભજનમાં જતા હતા. તે દરમિયાન કેનાલ ફ્રન્ટ નજીક વૃદ્ધાને પાડી દઈ શખ્સે ગરદન પકડી કાનની સોનાની બુટ્ટી,પગના છડા અને પાકીટની લુંટ કરી નાસી ગયો હતો. તો વૃદ્ધા બંને કાનમાં લોહી નીકળતી હાલતમાં ઘરે આવ્યા હતા. એ ડિવિઝન પોલીસે સોનાની બુટ્ટી, ચાંદીના છડા અને રૂ. 500 રોકડા મળી કુલ રૂ. 56 હજાર 500ની લૂંટની ફરિયાદ નોંધાઇ હતી.
એ ડિવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.બી.વાઘેલાએ જણાવ્યું હતું કે લુંટની ઘટના બાદ તપાસ પીએસઆઈ સી.એલ.રબારીએ અને ડી સ્ટાફના જયેન્દ્રસિંહ, દિગ્વિજયસિંહ, વિક્રમસિંહ, ધર્મવીરસિંહ, જ્ઞાનદીપસિંહ, કલ્પેશકુમાર અને હિમાંશુભાઈએ મળી હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં હિંમતનગરના ગીરધરનગરમાં રહેતા સાગર સલાટની ઓળખાણ થઇ હતી. જેને લઈને પોલીસ ગીરધરનગર આવાસ પહોચી ત્યારે રવિ અને સાગર સલાટ જોવા મળ્યા હતા. તેમને પકડવા જતા રવિ સલાટ પકડાયો હતો અને સાગર સલાટ ભાગી ગયો હતો. પોલીસે રવિ સલાટને ઝડપી પૂછ પરછ કરતા કબુલાત કરેલ કે ત્રણ દિવસ રેકી કર્યા બાદ તેમણે લુંટને અંજામ આપ્યો હતો.
વૃદ્ધાની વોચ સાગર સલાટ કરી રહ્યો હતો અને જ્યારે આ તરફ વૃદ્ધા આવી ત્યારે રવિએ તેમને જમીન પર પાડી દઈને સોનાની બુટ્ટી અને છડા અને રોકડની લુંટ કરી હતી. ઉપરાંત માય ઓન હાઇસ્કુલ પાસે સલાટવાસમાં રહેતી લક્ષ્મીબેન ભીખાભાઈ સલાટ અને ઉષાબેન ભીમાભાઇ સલાટને લુંટનો સામાન વેચવા માટે આપ્યો હતો. હિંમતનગરના જુના બજારમાં સોનીની દુકાને આ માલ વેચેલો હોવાનું જણાવતાં લુંટ કરેલો મુદ્દામાલ કબજે લેવાયો હતો. એ ડીવીઝન પોલીસે બે મહિલા સહિત ત્રણને ઝડપી લીધા હતા, તો સાગર સલાટ ફરાર થઇ ગયો હતો. પોલીસે કોર્ટમાં રજુ કરતાં ત્રણેયને સબજેલમાં મોકલવા હુકમ કરાયો હતો, તો બે મહિલાઓને અમદાવાદ સાબરમતી જેલમાં મોકલી આપી હતી.
ઝડપાયેલા આરોપી
1. રવિ અમરતભાઈ સલાટ રહે-સલાટવાસ, ગીરધરનગર, હિંમતનગર
2. લક્ષ્મીબેન ભીમાભાઈ સલાટ રહે-સલાટવાસ, માય ઓન હાઇસ્કુલ પાસે, હિંમતનગર
3. ઉષાબેન ભીમાભાઇ સલાટ રહે-સલાટવાસ, માય ઓન હાઇસ્કુલ પાસે, હિંમતનગર
ફરાર આરોપી
1. સાગર સલાટ રહે-સલાટવાસ,ગીરધરનગર, હિંમતનગર