બિગબ્રેકિંગ@પાલનપુર: ગ્રામપંચાયતમાં પેવરબ્લોકનું બિલ પાસ કરવા કમિશન માંગ્યું,સરપંચ 50,000ની લાંચ લેતાં ઝબ્બે

 
ACB

અટલ સમાચાર, પાલનપુર 

પાલનપુર તાલુકામાં વહેલી સવારે ACBની મોટી કાર્યવાહી સામે આવી છે. આજે સવારે પાલનપુર તાલુકાના વાસણ(ધાણધા) ગામના સરપંચ 50 હજારની લાંચ લેતા ઝડપાયા છે. પ્રાથમિક વિગતો મુજબ વાસણ(ધાણધા) ગામના સરપંચે ગામમાં પેવરબ્લોક નખાયા બાદ તેનું પેમેન્ટ કરવા માટે કામના 10 ટકા લેખે 50,000ની લાંચ માંગી હતી. જોકે ફરિયાદી લાંચ આપવા ઇચ્છુક ના હોઈ તેમને એસીબીને જાણ કરતાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. 

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના વાસણ(ધાણધા) ગામના સરપંચ હીબ્જુરહેમાન મહંમદહનીફ ઢુક્કા 50,000ની લાંચ લેતા ઝડપાયા છે. વિગતો મુજબફરીયાદીએ વાસણ ગ્રામપંચાયતમાં ભુગર્ભ ગટર લાઇન તથા પેવરબ્લોકનું કામ પૂર્ણ કર્યું હતું. જોકે કામ પુર્ણ કરેલ તે કામના પૈસા ગ્રામપંચાયત પાસેથી ફરીયાદીને લેવાના હોય તે નાણાંની ચુકવણી કરવા આરોપી સરપંચે ફરીયાદીને કરેલ કામના દસ ટકા લેખે રૂા.50,000ની લાંચની માંગ કરી હતી. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ના હોય તેમણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા જે આધારે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં ACB બોર્ડર એકમના મદદનીશ નિયામક કે એચ ગોહિલના સુપરવિઝન હેઠળ બનાસકાંઠા ACB પોલીસ સ્ટેશનના PI એલ.એસ.ચૌધરીની ટીમે આજે છટકું ગોઠવી આરોપી વાસણ(ધાણધા) ગામના સરપંચ હીબ્જુરહેમાન મહંમદહનીફ ઢુક્કાને ધનિયાણા ચોકડી, અંબાજી હાઇવે, ભોલેનાથ ચા ની કિટલી ઉપરથી 50,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડયા હતા.