નિવેદન@બનાસકાંઠા: સચિવાલયમાં આગની ઘટના ઈરાદા પૂર્વકનું કૃત્ય, કોંગ્રેસ 125 બેઠકો સાથે સરકાર બનાવશે: ગેનીબેન ઠાકોર

 
Geniben thakor

અટલ સમાચાર,. બનાસકાંઠા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તનતોડ મહેનત કરી રહી છે, દરેક પક્ષે એકબીજા પર પ્રહાર કરવાના શરૂ કર્યા છે. જે અંતર્ગત વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ભાજપ ચૂંટણીથી ભાગી રહ્યું છે. હજુ ભાજપના ફેવરમાં વાતાવરણ થયું નથી. જેથી પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસમાં પણ વધારો થયો છે. આ બન્ને નેતાના દિલ્લી અને ગુજરાતના અપડાઉન વધી ગયા છે. 

વાવ વિધાનસભાના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, હિમાલચ સાથે ગુજરાત ચૂંટણી જાહેર કરવી જોઈતી હતી, પરંતુ ભાજપને હજુ વાયદાઓ આપવાના બાકી હશે, તથા સામ-દામ-દંડનો ઉપયોગ કરવાનો બાકી હશે. જેથી ચૂંટણીની તારીખ જાહેર થઇ નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, જ્યારે પણ ચૂંટણી આવે, કોંગ્રેસ લડવા તૈયાર છે. આ વખતે કોંગ્રેસ 125 બેઠકો સાથે સરકાર બનાવશે.

સચિવાલયમાં આગ લગવા મામલે વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે આક્ષેપ કરતા જણાવ્યું કે, સચિવાલય જેવી રાજ્ય લેવલની ઓફિસમાં આગ લાગવાની ઘટના બને, ત્યારે એમના ભ્રષ્ટાચારોની ફાઈલોને દબાવવા માટે ઈરાદાપૂર્વકનું કૃત્ય છે. સચિવાલયમાં આગની ઘટના ઈરાદા પૂર્વકનું કૃત્ય છે. સરકારના ભ્રષ્ચાટાર છુપાવવા આગની ઘટનાનું કૃત્ય થયું છે. સચિવાલયમાં ફાઈલો નહીં લોકોનું ભવિષ્ય બળ્યું છે. આવું દરેક વિભાગમાં થવા પર અધિકારીઓને મોકળું મેદાન મળશે.