ડીસાઃ માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા કોન્સ્ટેબલના પરિવારને રૂ. 60 લાખ વળતર ચુકવવા કોર્ટે આદેશ કર્યો
આદેશ

અટલ સમાચાર, ડેસ્ક


બનાસકાંઠા જીલ્લાના ડીસાના ભીલડી પોલીસ મથકના કોન્સ્ટેબલનું 5 વર્ષ અગાઉ માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. આ અંગે પરિવારજનોએ વળતર માટે કોર્ટમાં દાવો કર્યો હતો. જેમાં બનાસકાંઠા જીલ્લા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ ન્યાયાધીશે વીમા કંપનીને મૃતકના વારસદારોને વ્યાજ સાથે રૂ. 60,00,000 ચૂકવવા આદેશ કર્યો છે.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

મળતી વિગતો મુજબ ભીલડી પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ કલ્પેશજી વાઘાજી ઠાકોર તા. 13 સપ્ટેમ્બર 2017 ના રોજ કાર નં. GJ-08-R-9547 માં સરકારી કામેથી રાજસ્થાનના ભરતપુરથી પરત આવી રહ્યા હતા. ત્યારે માર્ગમાં અજાણ્યા ટ્રક ચાલકે કારને ટક્કર મારી હતી. જેમાં કલ્પેશજીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અંગે તેમના વારસદારોએ વળતર માટે કોર્ટમાં દાવો કર્યો હતો. તે દરમિયાન આ કેસ કોર્ટમાં ચાલી જતાં બનાસકાંઠા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ ન્યાયાધીશ એચ. ડી. સુથારે અરજદારના વકીલ રાકેશકુમાર એ. રાવલની દલીલો ગ્રાહ્ય રાખી મૃતકના વારસદારોને વ્યાજ સહીત રૂ. 60,00,000 ચૂકવવા વીમા કંપનીને આદેશ આપ્યો હતો.