ગંભીર@બનાસકાંઠા: PM મોદીની થરાદ જાહેરસભામાં મંડપના નટ બોલ્ટ ખોલનાર શખ્સનો VIDEO વાયરલ, જાણો શું છે સમગ્ર મામલો ?

 
BK

અટલ સમાચાર, ડેસ્ક 

બનાસકાંઠાના થરાદ ખાતે PM મોદીની સભામાં એક વ્યક્તિ મંડપના નટ બોલ્ટ ખોલતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ચાલુ સભામાં એક વ્યક્તિ મંડપના નટ બોલ્ટ ખોલી રહ્યો છે. જોકે આ શખ્સની આવી હરકતના કારણે જો કોઇ મોટી દુર્ઘટના ઘટી હોત તો કદાચ મોટી જાનહાનિ થઇ હોત. પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, આખરે કોઈ પણ સુરક્ષા અધિકારીને PMની સભામાં આ વ્યક્તિ કેમ ન દેખાયો? શું આમાં કોઇનું ષડયંત્ર છે કે પછી આ શખ્સ માનસિક રીતે અસ્થિર છે? જેવાં અનેક સવાલો અહીં ઊભા થઇ રહ્યાં છે.

આ વીડિયો બનાસકાંઠાના થરાદમાં આયોજિત વડાપ્રધાન મોદીની સભાનો હોવાનું કહેવાઇ રહ્યું છે. જેમાં PMની ચાલુ સભા દરમ્યાન કોઇ એક શખ્સ ડોમના જે થાંભલા ઉભા કરવામાં આવ્યા હોય તેના નટ બોલ્ટ ખોલતો જોવા મળી રહ્યો છે. જોકે આ વાયરલ વીડિયોને લઇને કેટલાક સવાલો પણ ઊભા થઇ રહ્યાં છે. કારણ કે લાખો લોકો આ સભામાં હાજર હતા. આથી જો કોઇ દુર્ઘટના ઘટી હોત તો ચોક્કસથી આ શખ્સની હરકતના કારણે મોટી જાનહાનિ થઇ શકત.

મહત્વનું છે કે, આ વીડિયોમાં એ સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે કે કોઇ અજાણ્યો શખ્સ ચોરીછુપીથી ડોમના થાંભલાના નટ બોલ્ટ ખોલી રહ્યો છે. જોકે આ ઘટના કોઇ અધિકારીની નજરે આવ્યો નથી. પરંતુ ચોક્કસપણે એવું કહી શકાય કે જ્યારે લાખોની મેદની આ રીતે સભામાં હાજર હોય ત્યારે અધિકારીઓ અને તંત્રની જવાબદારી બનતી હોય છે કે કોઇ પણ પ્રકારની દુર્ઘટના ન ઘટે, પરંતુ આ વીડિયો જોતા એવું લાગી રહ્યું છે કે, PMની આ સભામાં ક્યાંક ને ક્યાંક તંત્રની પણ બેદરકારી જોવા મળી રહી છે. જોકે, હાલમાં આ વીડિયોને જોતા જે-તે શખ્સ વિરૂદ્ધ કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે શું તંત્ર આ વીડિયોના આધારે આ શખ્સ સામે કાર્યવાહી કરશે કે કેમ? શું PMની સભાને કોઇ નુકસાન પહોંચાડવાનું આ પ્રકારે કોઇનું ષડયંત્ર હતું કે શું?