નિવેદન@વડગામ: થોડી ઘણી ધમાલ કરી હશે.. રમૂજી અંદાજમાં મુખ્યમંત્રીએ અલ્પેશ ઠાકોરને મંચ પરથી શું કહ્યું ?

 
Bhupendra Patel

અટલ સમાચાર, વડગામ 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓની સક્રિયતા પણ વધી છે. તેવામાં વિધાનસભાની ચૂંટણી પહેલા રાધનપુર વિધાનસભામાં રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના જ સ્થાનિક આગેવાનોમાં સ્થાનિક ઉમેદવારની માંગ સાથે આંતરિક વિવાદ જોવા મળી રહ્યો છે. ભાજપના બે પૂર્વ ધારાસભ્યો અલ્પેશ ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે. તેઓ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. એવામાં આજે વડગામમાં ભાજપની ગૌરવ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અલ્પેશ ઠાકોરને લઈને હળવી રમૂજ કરી હતી. 

સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, 'અલ્પેશભાઈ ઠાકોર અને અમે વર્ષોથી સાથે બેઠા છીએ, ભલે કામ કરવા માટે તેમણે થોડી ઘણી ધમાલ કરી હોય. પણ ધમાલ કરવાનું એટલે, એમનો સ્વભાવ છે કે ભાઈ કામ તો કરવું જ પડશે અને કામ કરાવવાની દરેકની પરિભાષા જુદી-જુદી હોય છે.' 

સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે વડગામમાં ભાજપની ગૌરવા યાત્રા દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંચ પરથી અલ્પેશ ઠાકોરને લઈને રમૂજ કરી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે સભાને સંબોધિત કરતી વખતે અલ્પેશ ઠાકોર અંગે ટકોર કરતું નિવેદન આપ્યું હતું.