બનાસકાંઠાઃ સરપંચની ચૂંટણીમાં હારી જતાં ગામલોકોએ યુવકને 10 લાખ રૂપિયા આપ્યા
bnaskatha

અટલ સમાચાર, મહેસાણા


ઉત્તર ગુજરાતના સરહદી એવા સુઈગામના માધાપુરા ગામમાં સરપંચની ચૂંટણીમાં હારેલા ઉમેદવારનું અનોખું સન્માન કરાયું છે. સરપંચની ચૂંટણીમાં હારેલા 21 વર્ષીય ઉમેદવાર અલ્પેશ ચૌધરીને ગામ લોકોએ દસ લાખ રૂપિયા આપ્યા છે. ગ્રામપંચાયતની ચૂંટણીમાં ઉમેદવારે કરેલો ખર્ચ અને પ્રોત્સાહનરૂપે આ ઈનામ ગામલોકોએ આપ્યું છે. અલ્પેશ ચૌધરી હારી જતાં નાસીપાસ ના થાય અને આર્થિક રીતે પણ તે તૂટી ન જાય તે માટે ચૌધરી સમાજના આગેવાનો ભેગા થયા હતા. એક કલાકની અંદર ચૂંટણીમાં થયેલા ખર્ચ એટલે કે દસ લાખ રૂપિયા ભેગા કરી ઉમેદવારને પ્રોત્સાહન રૂપે આપ્યા હતા.  

સુઇગામ તાલુકાના મસાલી માધપુરા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હારેલા ઉમેદવારનું અનોખી રીતે સન્માન કરાયું છે. મસાલી માધપુરા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પીઢ અનુભવી અને ભાજપ અગ્રણી મંગીરામભાઈ રાવલ સામે અલ્પેશ ચૌધરી નામના 21 વર્ષિય યુવકે ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણીમાં મંગીરામભાઈને 755 મત મળ્યા હતા, જ્યારે અલ્પેશ અલ્પેશ ચૌધરી 699 મત મળતા તેઓ 56 વોટથી હારી ગયા હતા. તેમ છતાં પણ ગ્રામજનોએ તેમને સન્માનિત કર્યા હતા.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


સુત્રોએ જણાવ્યુ હતુ કે, બીજી તરફ આ ગામમાં અંદર હારેલા ઉમેદવાર પણ હતાશ ન થાય તે માટે ગ્રામજનોએ તેનું અનોખી રીતે સન્માન કરતાં અન્ય ગ્રામજનો માટે પણ આ ઘટના દાખલા રૂપ સાબિત થઈ છે. સરહદી વિસ્તારમાં હારેલા ઉમેદવાર અલ્પેશ ચૌધરીનું આ અનોખું સન્માન સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચર્ચાનું કારણ બન્યું છે. સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. ગ્રામપંચાયત ચૂંટણીમાં હારેલા ઉમેદવાર અલ્પેશ ચૌધરીએ જણાવ્યું હતું હું ગામ લોકોનો આભાર માનું છું. 21 વર્ષનો યુવાન હતાશ ન થાય તે માટે ગામ અને સમાજના આગેવાનો સાથે મળી કરેલી મદદ મને વધુ મજબૂત કર્યો છે. આગામી સમયમાં ગામના વિકાસ અને પ્રશ્નો માટે હું કાર્યરત રહીશ.