બ્રેકિંગ@બનાસકાંઠા: 3.6ની તિવ્રતાનાં આંચકાથી ડીસાની ધરા ધ્રુજી, વહેલી સવારે આવ્યો ભૂકંપ

 
Earthquake

અટલ સમાચાર,ડીસા 

ઉત્તર ગુજરાતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આજે વહેલી સવારે ડીસામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સવારે ઉઠીને લોકો દિવસના કામકાજની શરુઆત કરી રહ્યા હતા ત્યારે અચાનક આંચકો અનુભવાતા લોકોનો જીવ તાળવે ચોંટ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાનાં ડીસામાં સવારે 6.29 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ આંચકો રિક્ટર સ્કેલ પર 3.6ની તિવ્રતાનો હોવાનું નોંધાયું છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ડીસાથી 10 કિલોમીટર દૂર હોવાનું જાણવા મળી રહ્યું છે. ભૂકંપના આંચકાની તિવ્રતા ઓછી હોવાથી જાનમાલના નુકસાનની ઘટના બની નથી. જોકે, અચાનક સવારના સમયે આવેલા આંચકાના કારણે લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.

 

સૂત્રોએ જણાવ્યું હતું કે, એક તરફ ખેડૂત પરિવારોમાં ખેતર તરફ જવાની કે દિવસની શરુઆતની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે ભૂકંપનો આંચકો આવતા લોકોને ચક્કર આવતા હોવાની શંકા થઈ હતી. જોકે ભૂકંપ આવ્યો હોવાની વાત ફેલાઈ જતા લોકો એકઠા થઈ ગયા હતા. એક તરફ વાતાવરણમાં પલટા આવવાના કારણે લોકો પરેશાન છે ત્યારે ભૂકંપે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઉત્તર ભાગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીનો સમાવેશ થાય છે. અહીં હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.