ખળભળાટ@દિયોદર: મોડીરાત્રે ગોડાઉનમાં પડી રેડ, 7લાખના ઘઉં ચોખા સીલ, મચી ગઇ દોડધામ

દિયોદર જીઆઇડીસી ગોડાઉનમાં મળેલ જથ્થો સરકારી છે કે ધંધાકીય તે નક્કી કરવા તપાસ ટીમ કામે લાગી
 
Deodar raid
ગત રાત્રે અંદાજે 2 વાગ્યે તપાસ ટીમ ત્રાટકી 
સમાચાર ડોટ કોમ, મહેસાણા
દિયોદરના એક ગોડાઉનમાં ગત મોડીરાત્રે અચાનક મામલતદાર કચેરીની ટીમ ત્રાટકી હતી. ઉપલી કક્ષાએથી સુચના હોઇ કાચું ના કપાય તે માટે પોલીસ બંદોબસ્ત સાથે જીઆઇડીસીમાં પહોંચ્યા હતા. જ્યાં ભાડેથી રાખેલ પ્લોટમાં અધધધધધ... પ્રમાણમાં ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવતાં ચોંકી ગયા હતા. વેપારીએ ધંધા માટે રાખેલા કે પુરવઠાના કટ્ટા તે નક્કી કરવા તપાસ શરૂ કરી હતી. જેથી ખરીદીના બીલો વેપાર અને સંબંધિત વિગતો મળી આવી નહોતી તેમ નાયબ મામલતદારે જણાવ્યું છે. હવે જથ્થો સરકારી છે કે ધંધાકીય તે બાબતે આગળની કાર્યવાહી શરૂ થઈ છે. 
Deodar mamdar
બનાસકાંઠા જિલ્લાના દિયોદર મુકામે ગત મોડીરાત્રે અચાનક જીઆઇડીસીના પ્લોટ નંબર 50મા મામલતદારની ટીમ તપાસ અર્થે પહોંચી હતી. જ્યાં તપાસ કરતાં મોટી સંખ્યામાં અનાજનો જથ્થો સંગ્રહ કરેલો જોવા મળતાં શંકાસ્પદ બન્યું હતું. ગણતરી કરતાં 318 કટ્ટા ઘઉં કિંમત રૂપિયા 3,18,000 અને 378 કટ્ટા ચોખા કિંમત રૂપિયા 3,96,000 એટલે કે કુલ 7લાખ 14 હજારની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે એક ગાડી કિંમત રૂપિયા 1,50,000 પણ મળી આવી હતી. આ તમામ મુદ્દામાલ પ્રાથમિક તબક્કે શંકાસ્પદ હાલતમાં મળતાં દિયોદર મામલતદારે સીલ કરી બંદોબસ્ત ગોઠવી દીધો છે. 
Deodar raid seez
સૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યાંથી જથ્થો મળી આવ્યો તે ભાડેથી રાખેલી જગ્યા હોઇ સ્થાનિક ભરત નામે ઈસમ કામગીરી સંભાળી રહ્યો છે. જોકે સ્થળ પરની ધંધાકીય જવાબદારી ડીસાના કોઈ ઈસમ જોતા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બાબતે હાલ દિયોદર મામલતદાર અને જિલ્લા પુરવઠા કચેરી તપાસ કાર્યવાહી કરી રહી છે. દિયોદર મામલતદાર નિધિબેને જણાવ્યું હતું કે, હાલ જથ્થો સીલ કર્યો છે અને વધુ તપાસ ચાલુ છે.