હડકંપ@બનાસકાંઠા: બિનખેતી માટે પૈસાનો વહીવટ થશે તેવો ઓડિયો, મામલતદારથી માંડી કલેક્ટરમા સેટિંગનો ગંભીર આક્ષેપ
જિલ્લા વહીવટી તંત્રની પારદર્શક કામગીરી ઉપર ગંભીર રીતે વિચાર કરવા મજબૂર કરતો ઓડિયો કેમ અને કેવી રીતે ફરતો થયો તે સૌથી મોટો સવાલ
Jan 9, 2022, 21:43 IST

વાયરલ ઓડિયોને પગલે વચેટિયો શું અધિકારીના નામે પૈસા ખેચવા બિનખેતીમાં વહીવટની વાતો કરી રહ્યો હશે તેવી પણ આશંકા
અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રના પારદર્શક વહીવટ વિરુદ્ધ ગંભીર આક્ષેપો ઉભા કરતો એક ઓડિયો વાયરલ થયો છે. બિનખેતી કરાવવા માટે અરજદાર સાથે વાતચીત કરતાં સામેવાળો ઈસમ ચોંકાવનારા શબ્દો બોલતો હોઈ ખળભળાટ મચી ગયો છે. સરેરાશ એકાદ અઠવાડિયા અગાઉ લાખણી પંથકના અરજદારે બિનખેતીના જાણકાર સાથે વાત કરતાં મામલતદારથી માંડી કલેક્ટર સુધીના કેટલો વહીવટ લે તેનું આક્ષેપજન્ય વર્ણન કરતાં શબ્દો ઉચ્ચારવા લાગ્યો હતો. આ વચેટિયાની ચોંકવનારી વાતોથી અરજદાર હેબતાઇ ગયા હતા અને શું બિનખેતીમાં 14 લાખનો ખર્ચ થાય? તેવી મુંઝવણમાં મૂકાઈ ગયા હતા.
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના એક અરજદારે જમીન બિનખેતી કરવા ઓનલાઇન અરજી કરી હતી. આ પ્રક્રિયા હેઠળ અરજી લાખણી મામલતદાર સુધી પહોંચતાં જમીનનો સત્તા પ્રકાર યોગ્ય નહિ હોવાનું કહી અરજી ફાઇલે કરી દીધી હતી. આથી અરજદારે ફરીથી અરજી કરી પાલનપુરના કોઈ હર્ષદ નામના બિનખેતીના જાણકાર ઈસમનો સંપર્ક કર્યો હતો. જેમાં અરજદારે પોતાની અગાઉની અરજી ફાઇલે થઈ હોવા સહિતનો ભૂતકાળ જણાવતાં સામેવાળો હર્ષદ નામનો વચેટિયો કામ થઈ જવાનો દાવો કરે છે.
મોબાઇલ ઉપર થયેલી વાતચીતમાં બિનખેતી કરી આપવા સામે વહીવટ આપવાનું કહે છે. આ વહીવટની ગંભીર આક્ષેપો કરતી વાતોમાં વચેટિયો મામલતદારથી માંડી કલેક્ટર સુધીના વહીવટ લેતા હોવાનું બોલતા ખળભળાટ મચી ગયો છે. વચેટિયો કહે છે કે, કાયદેસરનો ખર્ચ સરેરાશ 3થી 4 લાખ બાકી વહીવટના 10 લાખ થશે. આ સાંભળીને અરજદારને ચોંકાવનારી પરિસ્થિતિ બની હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ વચેટિયો શું આવી રીતે બિનખેતી કરાવી આપતો હશે? શું અગાઉ કોઈ કેસમાં બિનખેતી કરાવી વહીવટનો અનુભવ કર્યો હશે? શું વહીવટ થતો હોવાનું નામ આપી પોતે પૈસા પડાવતો હશે? શું બનાસકાંઠા જિલ્લાના અધિકારીઓની છાપ બગાડવા આક્ષેપો કર્યા હશે? કે પછી વહીવટ આપી કામ કઢાવી લેતો હશે? આ તમામ સવાલો વાયરલ થયેલા ઓડિયો આધારે બનાસકાંઠા જિલ્લાના ખેતીવાડી, બિનખેતી સંબંધિત, ધંધાર્થી આલમ અને કર્મચારી આલમમાં ચર્ચાસ્પદ બન્યા છે.