ખળભળાટ@બનાસકાંઠા: સરકારી નિવાસી શાળાનું કરિયાણા ટેન્ડર 2 કરોડનું, કોન્ટ્રાક્ટ આપ્યો રૂ.3.45 કરોડમાં, મહા સેટિંગ્સ

 
Emrs jagana
ટેન્ડર બનાવવામાં આચાર્ય મિશ્રા કાચા પડ્યા કે એજન્સીઓ હોશિયાર નિકળી? જો મિશ્રાનો અભ્યાસ સાચો તો ટેન્ડરમા સેટિંગ્સ કોને કર્યું?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

બનાસકાંઠા જિલ્લામાં આવેલી કેન્દ્રની મોડેલ રેસિડેન્સિયલ શાળાના ભોજન ખર્ચ માટે આચાર્ય સહિતનાએ રૂ. 2 કરોડની એસ્ટિમેટ બીડ વેલ્યુ સાથે ટેન્ડર કર્યું હતુ. ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરથી કરિયાણાની ચીજવસ્તુઓ ખરીદવા કરેલ ટેન્ડર ચોંકાવનારી હદે વર્ક ઓર્ડર બાદ સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. રૂપિયા 2 કરોડની અંદર સ્પર્ધાથી ખરીદી કરવાના હેતુથી દાળ ચોખા સહિતની 150થી વસ્તુઓ કેવીરીતે સાડા ત્રણ કરોડને નજીક પહોંચી ગઈ તેને લઈ ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે. આટલું જ નહિ, ખરીદનાર કમિટીના આચાર્ય મિશ્રાને પૂછતાં જણાવ્યું કે, બધું બરાબર છે પરંતુ સવાલોના જવાબ આપી શક્યા નથી. આ તરફ પાલનપુર સ્થિત પ્રાયોજના વહીવટદારની કચેરીને પૂછતાં જણાવ્યું કે, અત્યાર સુધી અમારી કચેરીને બાયપાસ કરતાં હતાં પરંતુ અમારા સભ્ય ત્યાં હવે જવાબદારી નિભાવવા નિયુક્ત થયા છે. જાણીએ કરિયાણાની વસ્તુઓનો સેટિંગ્સવાળો વેપાર કોના વચ્ચે કેવીરીતે થઈ ગયો.

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જગાણા ખાતે કેન્દ્રીય યોજનાની એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કુલ આવેલી છે. આ શાળાના કર્તાહર્તા એવા આચાર્ય મિશ્રા અને શિક્ષક સહિતનાએ વિદ્યાર્થીઓને જમવા માટે ભોજન ખર્ચ સારૂં કરિયાણાની ચીજવસ્તુઓ ખરીદવા પ્રક્રિયા કરી હતી. દાળ, ચોખા, અનાજ, તેલ સહિતની સરેરાશ 150થી વસ્તુઓ ચોક્કસ વજનમાં લેવા ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપર ટેન્ડર કર્યું હતુ. ટેન્ડર કરતાં પહેલાં આચાર્ય મિશ્રા સહિતનાએ બજારમાં ચાલતાં ભાવનો, ક્વોલિટીનો અને જરૂરિયાત કેટલી પડશે તેનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસને અંતે આચાર્ય મિશ્રા સહિતનાએ રૂ. 2 કરોડમાં સ્પર્ધાથી એટલે કે નીચા ભાવ ઓફર આવે તે મુજબ ખરીદવા ટેન્ડર બહાર પાડ્યું હતુ. હવે નીચેના ફકરામાં વાંચો કેટલા હદે સેટિંગ્સ થયું અને કેવીરીતે 

સૂત્રોએ જણાવ્યું હતું કે, GEM/2026/B/7536292 બીડ નંબર ઉપર અનેક એજન્સીઓએ આવેદન કર્યું પરંતુ પૂર્વ આયોજિત સેટિંગ્સ વાળી પ્રમુખ જનરલ ટ્રેડર્સ અને અક્ષર એન્ટરપ્રાઇઝ એમ 2 એજન્સી ક્વોલિફાઇ થઈ હતી. આ બંને એજન્સી વચ્ચે રિંગ થઈ અને રિંગ થવા દેવા બાયર એટલે કે આચાર્ય મિશ્રાએ મોકળું મેદાન આપ્યું તેનાથી ચકચાર મચી જાય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી. આચાર્ય મિશ્રાએ જે ચીજવસ્તુઓ જેટલા પ્રમાણમાં માંગી તે વસ્તુઓ આચાર્યની ગણતરી મુજબ રૂ.‌2 કરોડમાં આખા વર્ષ દરમ્યાન મળી શકે તેમ હતી પરંતુ બંને એજન્સીએ પૂર્વ આયોજિત સેટિંગ્સના ભાગરૂપે પોણા ચાર કરોડ સુધીના ભાવ ઓફર કર્યા હતા. ટેન્ડરની આર.એ બીડ વેલ્યુથી સરેરાશ ડબલ રકમની નજીક પહોંચી જતાં આચાર્ય મિશ્રા અને પ્રમુખે ભેગાં મળીને રૂ. 3.45 કરોડમાં કોન્ટ્રાક્ટ નક્કી કરી દીધો છે. જે વસ્તુઓ ખરીદવાની જરૂરિયાત અને તેનો ખર્ચ બાબતે અભ્યાસ મહત્તમ રૂ. 2 કરોડ સુધી હતો તો પછી રૂ. 3.45 કરોડ કેવીરીતે થયો તે બાબતે આચાર્ય મિશ્રા ચોક્કસ કારણો જણાવી શક્યા નથી. આટલું જ નહીં એજન્સીઓ વચ્ચે રિંગ પકડવાની જગ્યાએ રિંગ શોધવાની પણ તસ્દી લીધી નથી. આ બાબત જ્યારે બનાસકાંઠા પ્રાયોજના વહીવટદારને ધ્યાને મૂકતાં શું કહ્યું તે પણ વાંચો

અમને બાયપાસ કરતાં હતાં

આ બાબતે જ્યારે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલ પ્રાયોજના વહીવટદાર મેડમને જણાવતાં કહ્યું કે, અત્યાર સુધી અમને બાયપાસ કરતાં હતાં પરંતુ પરિપત્ર થયો હોઇ અમારી કચેરીના કર્મચારી સભ્ય બન્યા છે અને જ્યાં સુધી ભોજન ખર્ચના ટેન્ડરનો સવાલ છે તો ચોક્કસથી તપાસ કરાવીએ છીએ.