દોડધામ@પાલનપુર: આધેડને જીવતો સળગાવી દેવામાં CBI તપાસની માંગ
અટલ સમાચાર, પાલનપુર
કોરોના મહામારી વચ્ચે ગત દિવસોએ આધેડની જીવતો સળગાવી દઇ હત્યાના કેસની તપાસ સીબીઆઇને સોંપવા જીલ્લા મેજીસ્ટ્રેટને રજૂઆત કરાઇ છે. પાલનપુરમાં ગત 14 જૂનના રોજ એક વ્યક્તિની ક્રુર હત્યા કરાઇ હતી. જેની તપાસ પાલનપુર તાલુકા પોલીસ અને બાદમાં એલસીબીને સોંપવામાં આવી છે. આ તરફ હવે પ્રજાપતિ સમાજ દ્રારા જીલ્લા મેજીસ્ટ્રેટને આવેદનપત્ર આપી અને સમગ્ર કેસની તપાસ સીબીઆઇને સોંપવા માંગ કરી છે.
અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો
બનાસકાંઠા જીલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે આધેડની સળગાવીને હત્યા કરી દેવાના કેસમાં નવો વળાંક આવ્યો છે. પ્રજાપતિ સમાજમાં ઘટનાના 16 દિવસ બાદ પણ આરોપીની અટકાયત નહિ થતાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. જેને લઇ સમાજના આગેવાનો દ્રારા આજે જીલ્લા મેજીસ્ટ્રેટને આવેદનપત્ર આપી અને સમગ્ર કેસની તપાસ સીબીઆઇને સોંપવા માંગ કરી છે. આ સાથે ફરીયાદી અને તેમના કુટુંબને પોલીસ રક્ષણ પુરૂ પાડવા માંગ કરી છે.
સૂત્રોએ જણાવ્યુ હતુ કે, પાલનપુર તાલુકાના આકેસણ અને વેડંચાની સીમમાં ગત તા.14 જૂનના રોજ દલપતભાઇ પ્રજાપતિની સળગાવેલી હાલતમાં લાશ મળી આવી હતી. જે બાદમાં પરિવારજનોએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જોકે બાદમાં તપાસ એલસીબીને સોંપાવામાં આવી હતી. આ તરફ ઘટનાને 16 દિવસ વિત્યા છતાં પણ પરિવારજનોને ન્યાય નહી મળતાં સમાજના આગેવાનોએ જીલ્લા મેજીસ્ટ્રેટને કેસની તપાસ સીબીઆઇને સોંપવા માંગ કરી છે.