હિસાબ@પાંથાવાડા: સહકાર સચિવને કોઈ બોલાવો, ભ્રષ્ટાચારના ભરડાથી માર્કેટયાર્ડની કમર તૂટી રહી- રિપોર્ટ

સંપૂર્ણ નિષ્પક્ષ રીતે છેલ્લા 15 વર્ષના તમામ હિસાબો, વહીવટ, ઠરાવો, મિનિટ્સ, રજૂઆતો, ફરિયાદોની તપાસ અને સાથે તમામના વ્યક્તિગત નિવેદનો લેવામાં આવે તો મસમોટો ભ્રષ્ટાચાર બહાર આવે
 
Panthavada apmc

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

પાંથાવાડા ગંજબજારના સત્તાધીશો ભરસિઝને હરવાફરવા ઉપડી ગયા છે અને મતદારોના લાખો રૂપિયા સ્વાહા કરી રહ્યા છે. આ પરિસ્થિતિથી ચોંકી જઈને ગંજબજારના હિસાબી વહીવટમાં જરાક ડોકિયું કર્યું તો આંખો ફાટી જાય તેવો હિસાબ ભાસી રહ્યો હોવાનું સામે આવ્યું છે. ભરતી પ્રક્રિયામાં, બાંધકામમાં, વિવિધ ટેન્ડરમાં અને ખાસ કરીને સેસની આવકમાં મસમોટો ભ્રષ્ટાચાર થયો હોવાની પંથકમાં બૂમરાણ મચી છે. આ સત્તાધીશો એટલા બાહુબલી છે કે, જિલ્લાવાળા તપાસની હિંમત કરશે ? તે સૌથી મોટો સવાલ છે.‌ જોકે મતદારોમાં સૌથી મોટી માંગ ઉઠી છે કે, "સહકાર સચિવ સાહેબ, મહેરબાની કરીને એકવાર પાંથાવાડા બજાર સમિતિનો સંપૂર્ણ હિસાબ તપાસવા આવો, અમારા માર્કેટયાર્ડની આર્થિક કમર તૂટી રહી છે", શું આવી પરિસ્થિતિ આવી પડી હશે, જાણો સ્પેશિયલ રિપોર્ટમાં......

Panthavada yard

બનાસકાંઠા જિલ્લાના ધાનેરા માર્કેટયાર્ડમાંથી અલગ પડીને પાંથાવાડા બજાર સમિતિનો જન્મ થયો હતો. શરૂઆતમાં થોડી તકલીફ પડી પરંતુ એકાદ બે વર્ષમાં ખેડૂતો અને વેપારીઓની તનતોડ મહેનતથી પાંથાવાડા ગંજબજાર ધમધમતું થયું હતું. માર્કેટયાર્ડમાં સેસ થકી મોટા પ્રમાણમાં આવક થતાં અને બાંધકામ, પ્લોટની વહેંચણીનો પણ અવસર આવતાં ચેરમેન, સેક્રેટરી સહિતના સત્તાધિશોની આર્થિક રીતે દાનત બગડી હતી. નિતી નિયમો, સરકારી જોગવાઈઓ, પારદર્શક વહીવટ બધું બાજુએ મૂકીને મનફાવે તેમ કર્મચારીઓની ભરતી કરી, મનસ્વી કોન્ટ્રાક્ટ આપ્યા અને સેટિંગ્સ હેઠળ પ્લોટો ફાળવી માર્કેટયાર્ડને ભયંકર ફટકો આપ્યો હતો. જો પ્લોટોની સંપૂર્ણ પારદર્શક અને સહકારી નિયમો થકી હરાજી પ્રક્રિયા કરી હોત તો પાંથાવાડા ગંજબજારને કરોડોની આવક ઉભી થઇ હોત તેવું મતદાર વર્ગમાંથી જણાવાઇ રહ્યું છે. હજુ આગળ વાંચો ભ્રષ્ટાચારની કહાની.....

Icds narmada

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાંથાવાડા ગંજબજારને પાછલા 15 વર્ષથી ભયંકર હદે આર્થિક ફટકો મળી રહ્યો છે. આથી હવે જિલ્લામાંથી કોઈ આકસ્મિક તપાસ થવાના અણસાર નથી, તો ગાંધીનગરથી સહકાર સચિવને જો મળો તો એકવાર પાંથાવાડા ગંજબજારમાં મોકલજો, એવી માંગ ઉઠવા પામી છે. પાંથાવાડા પંથકમાં મબલખ કૃષિ ઉત્પાદન થતું હોઇ માર્કેટયાર્ડને સેસ થકી મોટા પ્રમાણમાં આવક છે પરંતુ સત્તાધીશો બેફામ ખર્ચમાં ઉડાવી રહ્યા છે. આથી જો સહકાર સચિવ સાહેબ માત્ર એક દિવસ પાંથાવાડા ગંજબજારનો હિસાબ તપાસવા આવે તો સરકારના હિતમાં, ન્યાયના હિતમાં અને ખાસ મતદારોના હિતમાં મોટી કાર્યવાહી થઈ શકે તેમ હોવાનું મનાઇ રહ્યું છે.