ગંભીર@બનાસકાંઠા: કર્મચારીએ કહ્યું કોન્ટ્રાક્ટર દ્વારા માનસિક ત્રાસ, ડીપીઈઓ પટેલને કેમ કોઈ ફર્ક નથી?

 
Banaskantha

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

બનાસકાંઠા જિલ્લામાં સર્વ શિક્ષા અભિયાન હેઠળના કામોમાં તબક્કાવાર ચોંકાવનારો ઘટનાક્રમ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા માનસિક ત્રાસ હોવાની ફરિયાદ ખુદ કર્મચારીએ કરી હતી અને થોડા દિવસ બરાબર ચાલ્યું પરંતુ ફરીથી ત્રાસ શરૂ થતાં મામલો ગંભીર બન્યો હતો. વાત વધુ વણસે તે પહેલાં ફરીયાદી કર્મચારી સાથે વધુ 3 ટીઆરપીની જીલ્લા બહાર બદલી કરી દેવામાં આવી છે. આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પટેલને પૂછતાં અમને વળતો સવાલ પૂછ્યો કે, કોન્ટ્રાક્ટર ક્યારેય માનસિક આપે?, આવી વિચારધારા ધરાવતાં ડીપીઇઓ કેવી રીતે પોતાના કર્મચારીને કેવી રીતે ન્યાય અપાવી શકે?. જાણીએ સ્પેશિયલ રિપોર્ટમાં....

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકામાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સ્કુલ ઓફ એક્સેલન્સ અને શાળાને કમ્પાઉન્ડ વોલ સહિતના કામો ચાલુ છે. આ કામો ચાલતાં એ દરમિયાન સદર કામોની દેખરેખની જવાબદારી ટીઆરપીની હતી અને આ કર્મચારી હતા તેજસભાઇ મેવાડા. હવે જ્યારે કામોની દેખરેખ તાલુકા રીસોર્સ પર્સન તરીકે કરતાં એ દરમિયાન જાન્યુઆરી 2023 માં કોન્ટ્રાક્ટર તરફથી માનસિક ત્રાસ હોવાની ફરિયાદ કરી હતી. આટલુ જ નહિ સબલેટના કોન્ટ્રાક્ટર અન્ય દ્રારા પણ માનસિક ત્રાસ આપતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. આથી પોતે ડિપ્રેશનમાં હોવાથી કોન્ટ્રાક્ટરના કામો જોવાની જવાબદારીમાંથી મુક્ત કરવા અને ભવિષ્યમાં પણ આ કોન્ટ્રાક્ટરના કામોની જવાબદારી નહિ આપવા લેખિતમાં રજૂઆત કરી હતી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, કર્મચારીની લેખિત રજૂઆત બાદ થોડા દિવસ બધુ બરાબર ચાલ્યું પરંતુ ફરીથી ત્રાસ ચાલુ રહેતાં ટીઆરપી ચોંકી ગયા હતા. આ પછી રજૂઆત કરનાર કર્મચારીની બદલી કરી દેવામાં આવી હતી. સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પટેલને પૂછતાં જણાવ્યું કે, કોન્ટ્રાક્ટર ક્યારેય માનસિક ત્રાસ આપે ? એવો સવાલ કરીને કહ્યું કે, ઓફિસ રૂબરુ‌ આવજે. ડીપીઇઓની આવી માનસિકતાથી આશ્ચર્ય લાગતાં જેના ઉપર આક્ષેપ થયા એ કોન્ટ્રાક્ટરને પૂછતાં કહ્યુ કે, આવી કોઈ અરજીનો મને ખ્યાલ નથી. ડીપીઇઓ કે ડીપીઈ તરફથી પણ માનસિક ત્રાસ બાબતે પૂછવામાં આવ્યું નથી. વિચાર કરો કે, ડીપીઇઓએ અરજી આધારે કોન્ટ્રાક્ટરને એકપણ સવાલ નથી પૂછ્યો તો માનસિક ત્રાસની અરજીનો નિકાલ કેવી રીતે કર્યો ? બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પટેલ, તાલુકા સ્તરના કર્મચારીઓને માનસિક ત્રાસ હોય તો બહાર લાવી શકે ? ત્રાસ ઓછો કરાવી શકે? આ સવાલો દાંતીવાડાની ઘટનાથી સ્પષ્ટ થયા છે.