કાર્યવાહી@દિયોદર: 8 લાખના ઘઉં ચોખાની સાબિતી કરવા શંકાસ્પદ બીલ ઉભા કર્યા, મામલતદારે નોંધાવી ફરિયાદ
મામલતદાર વિધિ પટેલે આખરે ડીસાના વેપારી ભરત રામગોપાલ ઠક્કર વિરુદ્ધ દિયોદર પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે. આથી પોલીસે આરોપી સામે આવશ્યક ચીજવસ્તુઓના કાળા બજાર પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો દાખલ કર્યો છે.

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
દિયોદર વેપારી મથકે અગાઉ સીલ થયેલા લાખોની કિંમતના ઘઉં અને ચોખાની ઘટનામાં મોટો વળાંક આવ્યો છે. મામલતદારે જથ્થો સીલ કર્યા બાદ તપાસ વિવિધ કચેરી વચ્ચે થયેલા પત્રવ્યવહાર અને તપાસમાં વેપારીની શંકાસ્પદ બાબતો મળી આવી છે. 8 લાખથી વધુના ઘઉં અને ચોખા કાયદેસર હોવાનું બતાવવા વેપારીએ રજૂ કરેલું રેકર્ડ તંત્રને ગળે ઉતર્યુ નથી. અનેક વિસંગતતાઓ મળી આવતાં વેપારીએ ખરીદ વેચાણનુ રેકર્ડ ઉભું કર્યું હોવાનું ધ્યાને લઈ તંત્રએ કાર્યવાહી કરી છે. મામલતદાર વિધિ પટેલે આખરે ડીસાના વેપારી ભરત રામગોપાલ ઠક્કર વિરુદ્ધ દિયોદર પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે. આથી પોલીસે આરોપી સામે આવશ્યક ચીજવસ્તુઓના કાળા બજાર પ્રતિબંધ અધિનિયમ મુજબ ગુનો દાખલ કર્યો છે.
બનાસકાંઠા જિલ્લાના બે વેપારી મથક સાથે સંબંધ ધરાવતી પુરવઠાની મોટી ઘટનાનો ઘટસ્ફોટ થયો છે. કેટલાક દિવસો અગાઉ દિયોદર જીઆઇડીસીમાં મોડી સાંજે મામલતદાર કચેરીની ટીમે ઓચિંતી રેડ કરી હતી. જેમાં સરેરાશ 4 લાખના ઘઉં અને 4.90 લાખના ચોખાનો શંકાસ્પદ સંગ્રહ જણાતાં તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યા હતા. આ પછી જથ્થાને સંબંધિત વેપારીને માલના ખરીદ વેચાણના ચોપડા રજૂ કરવા નોટિસ ફટકારવામાં આવી હતી. જેના જવાબમાં મૂળ ડીસાના અને દિયોદર જીઆઇડીસીમાં વેપાર કરતાં ભરત રામગોપાલ ઠક્કરે કેટલુંક રેકર્ડ રજૂ કર્યું હતું. જેમાં બીલો અને વાહનની વિગતો રજૂ કર્યા બાદ દિયોદર નાયબ કલેક્ટર અને મામલતદાર સહિતની કચેરીઓ દ્વારા સઘન ક્રોસ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વેપારીએ અગાઉનું રેકર્ડ બરાબર રીતે નિભાવી પાછળનું રેકર્ડ જાળવ્યું ના હોવાથી આ 8 લાખથી વધુના ઘઉં અને ચોખાની સાબિતી માટે તાત્કાલિક રેકર્ડ ઉભું કર્યું હોવાનું જણાયું છે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
તંત્રને વેપારીના જવાબમાં કુલ 6 વિસંગતતા જણાતાં ડીસાના ભરત રામગોપાલ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ નોંધવા હુકમ થયો હતો. જેના આધારે દિયોદર મામલતદારે આવશ્યક ચીજવસ્તુઓના અધિનિયમ અને આવશ્યક ચીજવસ્તુઓના વેપારી (નિયમન) હુકમ મુજબ ફરિયાદ આપી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, વેપારીએ 8 લાખથી વધુના ઘઉં અને ચોખાનો યોગ્ય સંગ્રહ સાબિત કરવા ખૂબ મથામણ કરી હતી. જોકે વેપારી ભરત રામગોપાલ ઠક્કરે રજૂ કરેલ રેકર્ડ સહિતનો જવાબ તંત્રને શંકાસ્પદ જણાયો છે. જેથી તંત્રના તપાસ અને હુકમ આધારે દિયોદર મામલતદાર વિધિબેન પટેલે ઘઉં અને ચોખાનો જથ્થાના કાળાબજાર પ્રતિબંધ અધિનિયમ મુજબ ફરિયાદ કરી તપાસમાં જે મળી આવે તે મુજબ ધોરણસર કરવા પોલીસને જણાવ્યું છે. આથી દિયોદર પોલીસે આરોપી વિરુદ્ધ આવશ્યક ચીજવસ્તુઓના અધિનિયમની કલમ 3 અને 7 મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.