ઉચાપત@થરાદ: બેંકના મેનેજરે કર્યો 2.85 કરોડનો ગોટાળો, વસૂલાત છતાં 1.30 કરોડની ખાયકી, ખેડૂતોને લોનમાં કૌભાંડ

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા
થરાદ તાલુકામાં ખેડૂતોની લોનમાં ચોંકાવનારો અને ઘડીક વિશ્વાસ પણ ના આવે તેવો ગોટાળો થયો છે. ખેડૂતોની લોનમાં ગેરરીતિ આચરી બેંકના મેનેજરે નામંજૂર થાય તેટલી રકમની લોન ઉધારી હતી. જેની જાણ બેંક ઓથોરિટી અને ખેડૂતોને થતાં સૌથી મોટો ધ્રાસકો લાગ્યો છે. અનેક ખેડૂતોના નામે ખોટી સહીઓ કરી ઉપરી અધિકારીની જાણ બહાર અમર્યાદિત લોન મંજૂર કરી વ્યાજમાં ગોલમાલ કરી કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ દાખલ થઈ છે. જેમાં 2.85 કરોડની હંગામી ઉચાપત પકડાઇ ગયા બાદ રિકવરી શરૂ કરતાં આરોપી આસીસ્ટન્ટ મેનેજરે કેટલીક રકમ ભરી પરંતુ સવા કરોડથી વધુ રકમની ઉચાપત કરી લીધી છે. આથી બેંક સત્તાવાળા તરફથી આરોપી કર્મચારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો
બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતેની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં સૌથી મોટું કૌભાંડ બહાર આવ્યું છે. ખુદ બેંકના કર્મચારીએ પોતાના અધિકારીઓને અંધારામાં રાખી લોનમાં ગોટાળા કરી કરોડોની કટકી કરી લીધી છે. બેંકમાં નોકરી કરતાં ફિલ્ડ ઓફિસર એગ્રીકલ્ચર આસીસ્ટન્ટ એવા ગિરીશ પ્રજાપતિએ ખળભળાટ મચાવી દે તેવું કૌભાંડ કર્યું છે. બેંકના ખેતીવાડી વિભાગમાં મદદનીશ મેનેજર તરીકેની નોકરી કરતાં ગિરીશ મણીલાલ પ્રજાપતિએ ઓક્ટોબર 2018 થી માર્ચ 2021 દરમ્યાન અનેક ખેડૂતોના નામે લોન મંજૂર કરી હતી. જેમાં ખેડૂતોને મળવાપાત્ર લોનથી પણ વધારે રૂપિયાની લોન આપી દીધી હતી.
પોતાના ઉપરી અધિકારીને જાણ કર્યા વગર ખેડૂતોના નામની ખોટી સહીઓ કરી હતી. આટલું જ નહિ વધારે લોન મંજૂર કરી છતાં ખેડૂતોને ઓછી આપી છેતરપિંડી આચરી હતી. આવી અનેક ખોટી રીતે મંજૂર કરેલી લોનમાં વ્યાજની કમાણી પણ કરી હતી. આ સમગ્ર બાબતની જાણ બેંક ઓથોરિટીને થતાં ખળભળાટ મચી ગયાની નોબત આવી પડતાં દોડધામ થઈ હતી. સરેરાશ 2.5 વર્ષમાં મદદનીશ બેંક મેનેજર ગિરીશ પ્રજાપતિએ 2 કરોડ 85 લાખની ઉચાપત કરી સ્ટેટ બેંકને મોટો ફટકો આપ્યો હતો.
સૂત્રોએ જણાવ્યું હતું કે, સ્ટેટ બેંકના અધિકારીઓને ખબર પડતાં તાત્કાલિક અસરથી રિકવરી શરૂ કરતાં આરોપી ગિરીશ પ્રજાપતિએ સરેરાશ 1 કરોડ 55 લાખની વસૂલાત થઈ હતી. જોકે 1 કરોડ 30 લાખથી વધુ રકમની હંગામી ઉચાપત કરતાં બેંકના અધિકારી ઘનશ્યામ ભક્તિરામ સોલંકીએ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. આથી પોલીસે સમગ્ર કેસમાં આરોપી ગિરીશ પ્રજાપતિ વિરુદ્ધ આઇપીસી 409, 420, 465, 467 અને 471 તેમજ ભ્રષ્ટાચાર અટકાવવાના અધિનિયમની કલમ 13(1)( સી) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.