કાર્યવાહી@અમદાવાદ: નકલી આધારકાર્ડ બનાવવા આવેલા શંકાસ્પદ બાંગ્લાદેશી યુવકની ધરપકડ

 
Ahmedabad

અટલ સમાચાર, ડેસ્ક

અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં નકલી આધારકાર્ડ બનાવવા આવેલા કથિત બાંગ્લાદેશી બે યુવકમાંથી એક યુવકની પોલીસે ધરપકડ કરી છે. આ યુવક બાંગ્લાદેશના છે કે પશ્ચિમ બંગાળના છે એ પોલીસ તપાસ બાદ જાણવા મળશે. 

અમદાવાદ શહેરના હાટકેશ્વર પાસે આવેલા જાગૃતિ ટ્રાવેલ્સ નામના કોમ સર્વિસ સેન્ટરમાં આ બે કથિત બાંગ્લાદેશી યુવકો નકલી આધારકાર્ડ બનાવવા આવ્યા હતા. જો કે આ યુવકોન શંકાસ્પદ હિલચાલના કારણે કોમ સર્વિસ સેન્ટરના સંચાલક અરવિંદ ચોરસિયાએ વિલંબ કર્યા વિના 100 નંબર ડાયલ કરી પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. 

અમરાઈવાડી પોલીસનો કાફલો ત્યાં આવતા આ બંને યુવક ત્યાંથી ભાગ્યા હતા. જો કે પોલીસ જવાન તેમને પકડવા જતા નીચે પડી ગયો હતો. આ દરમિયાન એક યુવક પકડાઈ ગયો હતો અને બીજો યુવક ખોખરા તરફ ભાગી ગયો હતો. અમરાઈવાડી પોલીસના જવાનોએ શંકાસ્પદ બાંગ્લાદેશી યુવકને લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી તેમજ ઉચ્ચ અધિકારીઓને જાણ કરવા સાથે વધુ તપાસ હાથ ધરી હતી. પૂછપરછમાં બાંગ્લાદેશી યુવકનું મોટું રેકેટ બહાર આવવાની શક્યતા છે.