બેફામ@સંજેલી: ભ્રષ્ટાચારની તપાસમાં પંચો ખોટા? એકની સહી બોગસ, અરજી ફાઈલે કરાવવા ષડયંત્ર

 
સંજેલી ડુંગરા
વિસ્તરણ અધિકારીને ખબર નથી કે, ખોટી સહીનું સોગંદનામું આવ્યું છે? ખોટી સહીના કૌભાંડી કોણ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

સંજેલી તાલુકાના ગામમાં આવેલી ભ્રષ્ટાચારની તપાસ બાબતે જે થયું તે જાણી ચોંકી જશો. ગામમાંથી જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી કે, નાણાંપંચની ગ્રાન્ટ હેઠળના અનેક કામો સ્થળ ઉપર નથી. તલાટી વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ભ્રષ્ટાચારની ફરિયાદ થઇ હતી. હવે આ આક્ષેપો ઉપર તપાસ કરવા તાલુકાના વિસ્તરણ અધિકારી ગામમાં ગયા ત્યારે પંચોના નિવેદનો લીધા હતા. જેમાં એક પંચ એટલે કે એક વ્યક્તિની સહી ખોટી હોવાનો ખુલાસો થતાં ખળભળાટ મચી ગયો છે. સહી વાળા વ્યક્તિએ સોગંદનામું કરીને તાલુકા પંચાયતને જણાવી દીધું કે, પોતાની સહી નથી. ભ્રષ્ટાચારની તપાસમાં ષડયંત્રનો ભાંડો ફોડતો આ સ્પેશ્યલ રીપોર્ટ.

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ડુંગરા ગામમાં નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ ભ્રષ્ટાચાર થયાની બૂમરાણ ઉઠી છે. તલાટી વિનોદ દામા અને પૂર્વ સરપંચ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ગામલોકોએ રજૂઆત કરી છે. આથી વિસ્તરણ અધિકારી ગત મહિને ભ્રષ્ટાચારની તપાસ કરવા ડુંગરા ગામે ગયા હતા. ઘરના ભૂવા અને ઘરના ડાકલા જેવી હાલત આ તપાસમાં કરવામાં આવી હતી. અધિકારીએ ડુંગરા તલાટી વિનોદ દામા સહિતના નિવેદનો લીધા અને પંચો રૂબરૂમાં તપાસ હાથ ધરી હતી. હવે પંચોમાં એક વ્યક્તિ રાજેન્દ્રભાઈ બામણિયાનું નામ છે અને સહી છે ત્યારે મોટો ખુલાસો થયો છે. પોતાની જાણ બહાર કોઈએ પંચોમાં નામ અને સહી દીધી હોવાનો ઘટસ્ફોટ ખુદ રાજેન્દ્રભાઈ બામણિયાએ કરતાં ખળભળાટ મચી ગયો છે. વાંચો નીચેના ફકરામાં.

ડુંગરા ગામમાં તલાટી વિનોદ દામા વિરુદ્ધની તપાસમાં કેટલા હદે લાલિયાવાડી થઈ તે જાણી તમે સમસમી જશો. પંચોમાં જેના વિરુદ્ધ આક્ષેપો છે અને ન્યાયના હિતમાં અમુક વ્યક્તિઓને પંચોમા ના લેવાય છતાં લીધા છે. ઈરાદાપૂર્વક ફરિયાદને ફાઇલે કરવા આક્ષેપિત તલાટી વિનોદ દામા અને પૂર્વ સરપંચના ભાઇને પંચો બનાવ્યા છે. જોકે આ પંચોમાં એક રાજેન્દ્રભાઈ બામણિયાએ સમગ્ર તપાસમાં કંઈ જાણતાં નથી અને પોતે કોઈ લખાણ આપેલ નથી તેવું સોગંદનામું જાહેર કરતાં ષડયંત્રનો ભાંડો ફૂટી ગયો છે. હવે અહીં સૌથી મોટો સવાલ થાય છે કે, વિસ્તરણ અધિકારીએ કેમ ન્યાયના હિતમાં પંચો ના બનાવ્યા અને ખોટી સહી વિશે સોગંદનામું આવ્યા બાદ શું કાર્યવાહી કરી ? આથી આગામી ન્યૂઝ રીપોર્ટમાં કોણે આ કાંડ કર્યો તે જાણીશું.