ચકચાર@ઝઘડીયા: રજામાં ઓફિસ જઈ દારૂની મહેફિલ માણતાં ક્લાર્ક, વિડિયો જોઈ અધિકારીઓ ચોંક્યા

 
Image
રવિવારે પોતાની ડ્યુટી ના હતી છતાં સ્પેશ્યલ દારૂ ઢીંચવા સરકારી કચેરીમાં પહોંચી ગયા 

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 

ઝઘડીયા વિજકંપનીની સબ ડિવિઝન કચેરીમાં ધોળાં દિવસે દારૂની મહેફિલ થઈ હોવાનો એક વિડીયો વાયરલ થયો છે. કથિત વિડિયોમાં રીતસર દારૂની બોટલ, ભરેલા ગ્લાસ, જવાબ આપવામાં લથળિયા આ બધું જોઈ વડી કચેરીના ઈજનેરો ચોંકી ગયા અને તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપ્યા છે. તપાસ અહેવાલને પગલે આગળની કાર્યવાહી કરવા સર્કલ કચેરીને રીપોર્ટ મોકલી આપીશું તેમ ડિવીઝન કચેરીના કાર્યપાલક ઈજનેર ચૌધરીએ જણાવ્યું હતુ. આ ક્લાર્કની ફરજ પણ નહોતી છતાં વિજ કચેરીમાં ગયા અને આ દરમ્યાન વિસ્તારના એક વિજ ગ્રાહકને વિજળી ગુલ થઈ તેમાં આખો મામલો બહાર આવ્યો છે. હવે આ ક્લાર્કના નશીબ કહો કે વિજળી ગુલ થતાં ફોન ના ઉપાડવાની તસ્દી ગણો. વાંચો સમગ્ર અહેવાલ.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલી દક્ષિણ ગુજરાત વિજ કંપનીની સબ ડિવિઝન કચેરીમાં ગત રવિવારે દારૂની મહેફિલ જામી હોવાનો કથિત વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. વિડિયો રવિવારનો પરંતુ તેજ ગતિએ આજે વાયરલ થતાં સબ ડિવિઝનથી માંડી સર્કલ કચેરી સુધી દોડધામ અને ચકચાર મચી ગઇ છે. ઘટના જાણે એમ બની કે, રવિવારે ઝઘડિયા સબ ડિવિઝન વીજ કચેરીના હેઠળ આવતાં એક વિજ ગ્રાહકને વિજળી ગુલ થઈ હતી એટલે ગ્રાહકે સતત ફરિયાદ નંબર ઉપર ફોન કર્યા હતા. સતત 38 ફોન કરવા છતાં વાત નહિ થતાં વિજ ગ્રાહક રૂબરૂ સબ ડિવિઝન કચેરીમાં દોડી આવતાં જે માહોલ જોયો તેનાથી ચોંકી ગયા હતા. બે જુનિયર ક્લાર્ક બપોરે સબ ડિવિઝન કચેરીમાં જ દારૂની મહેફિલ માણતાં હોવાનું ખુદ ગ્રાહકે પકડી વિડિયો ચાલુ કરી સમસ્યા જણાવી હતી. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, વિજ ગ્રાહકે બંને ક્લાર્કને જણાવ્યું કે, આખા વિસ્તારમાં વિજળી છે પરંતુ મારા ઘેર વિજળી ના હોવાથી સતત 38 ફોન કર્યા પરંતુ કોઈ પ્રતિભાવ મળ્યો નથી. આ દરમ્યાન કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા બંને ક્લાર્કને દારૂનો નશો હોઈ ઉભા રહીને જવાબ આપતાં પણ ફાંફા પડી ગયા હતા. આ સમગ્ર વિડિયોને પગલે ડિવીઝન કચેરીના કાર્યપાલક ઇજનેર ચૌધરીને પૂછતાં જણાવ્યું કે, કથિત વિડિયોમાં દેખાતાં સુભાષ ડામોર અને પીકે કટારા બંને રેગ્યુલર કર્મચારી છે એટલે તુરંત તપાસના આદેશ આપ્યા છે. તપાસ રીપોર્ટ સર્કલ કચેરીને મોકલી આપીશું પછી ત્યાંથી કાર્યવાહી થશે.