રીપોર્ટ@ભરૂચ: 70 લાખના ટેન્ડરમાં 500થી 1000 રુપિયાની હરિફાઈ, સીસીટીવી કેમેરાનો વેપાર અત્યંત રસપ્રદ
અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
ભરૂચ જિલ્લા પંચાયતના અગાઉના કરોડોના ટેન્ડરની પારદર્શક તપાસનો મુદ્દો ઊભો જ છે ત્યારે વધુ એક ખરીદીની હાલની વિગતો જોતાં ચોંકાવનારી સ્થિતિ બની છે. તમે વિચાર કરો, 70 લાખના ટેન્ડરમાં એજન્સીઓ વચ્ચે માત્ર 480થી 1080 રૂપિયાના ભાવે ફેર ઓફર થાય છે અને આખરે સેટિંગ્સવાળા વેપારનું આર.એ પૂર્ણ થાય છે. સીસીટીવી કેમેરાની ખરીદી ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ ઉપરથી થઈ પરંતુ એજન્સીઓ કોના માર્ગદર્શનથી કે આશીર્વાદથી બનાવટી અને નાટ્યાત્મક ભાવ હરિફાઈને અંજામ આપી વર્ક ઓર્ડર જનરેટર કરાવવામાં સફળ થાય તે સૌથી મોટો સવાલ છે. આ ટેન્ડરમાં 4 એજન્સીઓ વચ્ચે ફાયનાન્સિયલ બીડ થયું પરંતુ એસ્ટીમેટ બીડ વેલ્યુથી અંદરની હરિફાઈ 3 એજન્સીએ કરી પરંતુ ભાવફેર જાણીને ચોંકી જશો કે, શું આ ટેન્ડર લેવા પારદર્શક હરિફાઈ/સ્પર્ધા છે કે બનાવટી આર.એ કરવાનું પૂર્વ આયોજિત સેટિંગ્સ? જાણીએ સમગ્ર અહેવાલ.
ભરૂચ જિલ્લા પંચાયતની પંચાયત/વિકાસ શાખાને અનેક કામોની વહીવટી મંજૂરીઓ મળી રહી છે. આ મંજૂરીઓ બાદ થતાં લાખો કરોડોના ટેન્ડરની ઉંડાણપૂર્વકની તપાસ કેમ જરૂરી છે તેના વિશે જાણવું અગત્યનું છે. અગાઉના કરોડોના ટેન્ડરની તપાસ અધ્ધરતાલ છે ત્યારે તે જ શાખાના અમલીકરણ અધિકારી કમ નાયબ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પટેલ દ્વારા સીસીટીવી કેમેરાનું રૂ.70 લાખનું ટેન્ડર આવ્યું છે. હવે અહિંયાથી શરૂ થાય છે રસપ્રદ અને ચોંકાવનારી ગતિવિધિઓ, ટેન્ડર પ્રક્રિયા દરમ્યાન ટેકનિકલ ચકાસણીને અંતે થયેલ રિવર્સ ઓક્શનમાં 4 પૈકી 3 એજન્સીઓ એસ્ટિમેટ બીડ વેલ્યુની અંદર રહી સ્પર્ધા કરે છે પરંતુ નાટ્યાત્મક અને દેખાડો કરવા પૂરતી. એલ3 અને એલ2 વચ્ચે માત્ર રૂ.432ની હરિફાઈ થાય જ્યારે એલ1નો ભાવ જોતા સમગ્ર આર.એ માટે માત્ર રૂ.1080 ભાવ ઘટાડી વર્ક ઓર્ડર ઉભો કરવા કોશિશ થઈ છે. વાંચો નીચેના ફકરામાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે, 70 લાખની વહીવટી મંજૂરી હોય કે કેમ પરંતુ ટેન્ડરની એસ્ટિમેટ રૂ. 70 લાખ છે ત્યારે આ સ્પેશિફીકેશન વાળા સીસીટીવી કેમેરા(ઈન્સ્ટોલેશન સાથે) 70 લાખથી ખૂબ ઓછી રૂમે વેપાર થઈ શકતાં હોવા છતાં કોણે અને કેમ બનાવટી આર.એ કર્યું કે કરાવ્યું તે સવાલ ગંભીર છે. આટલુ જ નહિ, બીડ તૈયાર કરનાર કચેરી કે અધિકારીએ સમગ્ર બજાર સ્થિતિનો અને સદર પ્રકારના ટેન્ડરનો અભ્યાસ કરીને જ એસ્ટિમેટ કાઢી તેની ક્વોન્ટિટી નક્કી કરી બીડ કર્યું હોય. તો આવી પારદર્શક પ્રક્રિયા બાદ એજન્સીઓ વચ્ચે રિંગ કેમ થઈ? નજીવી રકમનો ભાવ ફેર આપી નાટ્યાત્મક રિવર્સ ઓક્શનને કેમ અંજામ આપ્યો? જો આ ટેન્ડરની ડીડીઓ ભરૂચ પારદર્શક તપાસ નહિ કરે તો આવનાર સમયમાં ગમે તેવા જાંબાઝ ડીડીઓ આવશે તો પણ ભ્રષ્ટાચારી ટોળકી ટેન્ડરમા સેટિંગ્સ કરવાનું ભૂલશે નહિ.

