સ્પેશ્યલ@ભરૂચ: ટીડીઓને વિકાસની અતિ ઉતાવળ, પ્રમુખ સહિતના સભ્યો સત્તા સંભાળે તે પહેલાં સ્વભંડોળ વાપરી નાખો

 
Image

ચૂંટણી પૂર્ણ થઈ અને નવા તાલુકા સદસ્યો કારોબારી બેઠક કરે તે વચ્ચેના એક મહિનામાં વેપારી અને અધિકારીએ સ્વભંડોળ પૂરૂં કરવાનું કામ પાર પાડ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 
ભરૂચ તાલુકા પંચાયતમાં હજુ નવા ચૂંટાયેલા તાલુકા સદસ્યો રાજનીતિ અને વિકાસ બાબતો શીખવાની શરૂઆતમાં છે અને પ્રમુખ સહિતનાએ સત્તા જ સંભાળી નથી ત્યારે ટીડીઓને વિકાસની એવી તો ધૂન ચડી કે, સ્વભંડોળમાંથી તાત્કાલિક રૂપિયા વાપરી દેવા આયોજન કરી દીધું છે. વાત આટલી નથી, નવા આવેલા પ્રમુખ તાલુકા પંચાયતમાં પ્રથમવાર ચૂંટાઇને આવ્યા અને જણાવ્યું કે, મને તો ખબર જ નથી, કેમ કે સોમવારે જવાબદારી સંભાળવાનો છું. ત્યારે સ્વભંડોળના અધધધ...95 લાખ પ્રમુખ અને કારોબારી આવે તે પહેલાં ખર્ચી દેવા મોટી સાંઠગાંઠ થઈ હોવાનું બહાર આવ્યું છે. ચોક્કસ એજન્સીને તાત્કાલિક વર્ક ઓર્ડર આપી કામો શરૂ કરાવી ઝડપથી ચૂકવણું પાર પાડવાની યુદ્ધના ધોરણે ચાલી રહેલી કામગીરી પાછળ મોટી રણનીતિ છે અને તેની પાછળ વેપારી તેમજ વહીવટી મદદગારી છે. જાણીએ ભરૂચ તાલુકા પંચાયતના સભ્યોને અતિ અગત્યના સ્વભંડોળનો સ્પેશિયલ રીપોર્ટ.
ભરૂચ જિલ્લા પંચાયત અને તાબા હેઠળની તાલુકા પંચાયતોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ વિકાસ કામોની હોડ લાગી છે. જોકે આ તમામની વચ્ચે ભરૂચ તાલુકા પંચાયતના ટીડીઓ, અમઈ અને હિસાબનીશ સહિતનાએ જે કામગીરી જે સમયગાળામાં હાથ ધરી તેનાથી વિકાસની અતિ ઉતાવળ કહેવી કે, નવા ચૂંટાયેલા સભ્યો સત્તા ઉપર આવે તે પહેલાં કામ પાર પાડી દેવુ? હકીકતમાં વાત એવી છે કે, ભરૂચ તાલુકા પંચાયત પાસે રૂ. 95 લાખથી વધુનું સ્વભંડોળ હોવાથી આ સ્વભંડોળ ખર્ચી દેવાની ઉતાવળ અનેક સવાલો સર્જે છે. ભરૂચ તાલુકા પંચાયતના સભ્યો હજુ હમણાં ચૂંટાઇને આવ્યા અને એકાદ અઠવાડિયામાં પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી થઈ ત્યારે સત્તા સંભાળી પણ નથી. વાંચો નીચેના ફકરામાં ચોંકાવનારો ઘટસ્ફોટ.
હવે ભરૂચ તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્ણ થઈ એ દરમ્યાન તાત્કાલિક અસરથી ભરૂચ જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ ભરૂચ તાલુકા પંચાયતના ટીડીઓ સહિતનાએ સ્વભંડોળમાંથી રૂ.95 લાખ ખર્ચીને દેવા જોર લગાવ્યું છે. મે મહિનાના શરૂઆતના અઠવાડિયામાં જ્યારે ચૂંટાયેલા સભ્યો સત્તામાં નહોતા આવ્યા એ દરમ્યાન ડેકોરેટિવ લાઈટિંગનુ રૂ.95 લાખનું ટેન્ડર કરી દીધું. પ્રમુખ અને ઉપપ્રમુખ જાહેર થાય એ પહેલાં એજન્સી નક્કી કરી વર્ક ઓર્ડર પણ ઓનલાઇન આપી દીધો. હવે જ્યારે આગામી સોમવારે પ્રમુખ ભરૂચ તાલુકા પંચાયતની જવાબદારી સંભાળશે ત્યારે આજે શનિવારે પૂછતાં પ્રમુખના પતિ ગૌરાંગભાઈ સ્વભંડોળમાંથી રૂ.95 લાખ કારોબારી આવે તે પહેલાં ખર્ચાઇ જતાં હોવાનું જાણી ચોંકી ઉઠ્યા છે. આ તરફ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાને પૂછતાં જણાવ્યું કે, હું સોમવારે ડીડીઓ અને કલેક્ટરને વાત કરીશ. સમગ્ર મામલે ઈજનેર મુન પટેલે જણાવ્યું કે, જિલ્લા પંચાયતમાંથી આવેલ માર્ગદર્શન મુજબ ટેન્ડર કરી નિયમોનુસાર કામગીરી હાથ ધરી છે. ટીડીઓ કહે છે બધું બરાબર છે પરંતુ બધું બરાબર ક્યાં નથી વાંચો નીચેના ફકરામાં.
રૂ. 95 લાખના ખર્ચની કમિટી સામે જ સવાલો 
સ્વભંડોળમાંથી રૂ.95 લાખનો ખર્ચ કરી ટેન્ડર કર્યું છે ત્યારે કમિટી બને અને ડીડીઓ સુધી મંજૂરી જાય પરંતુ આ ટેન્ડરમા તમામ કામગીરી અને કમિટી તાલુકા કક્ષાએ હોવાનું ખુદ ઈજનેર મુન પટેલે જણાવ્યું અને કહ્યું કે, ડીડીઓ સાહેબે જ પત્ર કર્યો છે.
એજન્સીઓ વચ્ચે મેળાપીપણુ અને સેટિંગ્સ 
રૂ. 95 લાખનું ડેકોરેટિવ લાઈટિંગનુ ટેન્ડર છે ત્યારે ત્રણ એજન્સીઓ વચ્ચે રિવર્સ ઓક્શન થયું પરંતુ આ ભાવ ઓફર બનાવટી અને દેખાડો કરવા પૂરતાં છે. ત્રણેય એજન્સીઓને જાણકારી છતાં એલ1ને મદદગારી કરવા અને એકબીજા વચ્ચે રિંગ કરવા એલ2 અને એલ3 એજન્સીએ બીડ વેલ્યુથી વધારે ભાવ ઓફર કર્યા છે. રૂ.95 લાખના ટેન્ડરમા કોઈ હરિફાઈ નથી અને એલ1નો ભાવ ઘટાડો રૂ.28500 છે. આ બાબતો જણાવે છે કે, વેપારી અને અધિકારીઓ કેમ પ્રમુખ અને કારોબારી આવે તે પહેલાં સ્વભંડોળ વાપરી દેવા જોર લગાવી રહ્યા છે.