ગંભીર@ભાવનગર: બંગલા ઉપર લેવામાં આવી લાંચ, એસટીના વિભાગીય નિયામક ચડ્ડામાં 50 હજાર લેતાં ઝડપાયા
એસીબી પોલીસે ક્લાસ વન અધિકારીને સરકારી બંગલે જ ચડ્ડી બન્ડીમાં ઝડપી લેતાં મામલો સોશિયલ મીડિયામાં વાયરલ
Sep 13, 2022, 16:31 IST

અટલ સમાચાર ડોટ કોમ, ભાવનગર
ગુજરાત રાજ્યમાં લાંચિયા જ્યારે લાંચ લેતાં રંગેહાથ ઝડપાઈ જાય ત્યારે કંઈક અલગ સ્થિતિમાં અને વિલા મોઢે જોવા મળે છે. આવી જ પરિસ્થિતિ આજે ભાવનગર એસટી વિભાગના ક્લાસ વન વિભાગીય નિયામકને એસીબી પોલીસે પકડ્યા ત્યારે જોવા મળી હતી. ક્લાસ વન હોવાથી ખાનગી જગ્યાએ લાંચ લેવા ગયા નહિ અને પોતાની ઓફિસમાં યોગ્ય લાગ્યું નહિ હોય. એટલે વિભાગીય નિયામકે સરકારી બંગલે લાંચ લેવાનું યોગ્ય સમજી ચડ્ડી બન્ડીમાં જ 50 હજાર લેતાં ઝડપાઇ ગયા છે. એસટીના રૂટમાં ચાલતી ખાનગી ટ્રાવેલ્સને સરકારી રાહે સગવડ કરી આપવા સામે લાંચ માંગી હતી. જોકે ટ્રાવેલ એજન્સીના વ્યક્તિ લાંચ આપવા ઇચ્છતા નહિ હોવાથી ભાવનગર એસીબી પોલીસને ફરિયાદ કરતાં કાર્યવાહી કરી હતી. જેમાં વિભાગીય નિયામક ચડ્ડા પહેરેલી હાલતમાં જ 50 હજાર સ્વિકારતા પકડાઇ ગયા હતા. જાણો સમગ્ર મામલો.

સૌરાષ્ટ્રના ભાવનગર ખાતે એસટી નિગમની વિભાગીય ઓફિસ અને તેના સર્વોચ્ચ વહીવટી અધિકારી તરીકે વિભાગીય નિયામક અશોક કેશવલાલ પરમાર ફરજ બજાવતા હતા. આ દરમ્યાન રાજ ટ્રાવેલ્સના નામથી લક્ઝરી બસ ભાવનગરથી મહુવા રૂટ ઉપર ચાલતી હોય. ત્યારે આ લક્ઝરી પેસેન્જરમાં ચાલતી હોય અને પાલીતાણા રૂટ ઉપર પણ કેટલીક પ્રાઇવેટ મીની ટ્રાવેલ્સ પેસેન્જરમા ચાલતી હોય. આથી આ ખાનગી વાહનોના સંચાલકોને ખાનગી બસો જો આ રૂટો ઉપર ચલાવવી હોય અને એસ.ટી. વિભાગ તરફથી કોઇ કનડગત ન થાય, એસ.ટી. વિભાગ દ્વારા વાહન ચેકીંગ ન થાય અને બસો રોકાય નહિ તે માટે પ્રાઇવેટ ટ્રાવેલ્સના સંચાલકો પાસેથી દર મહીને રૂા.50,000/-ની લાંચની માંગણી કરી હતી. ખુદ વિભાગીય નિયામકે દર મહિને લાંચ સ્વરૂપે હપ્તો માંગ્યો પરંતુ ફરીયાદી એટલે કે ટ્રાવેલ સંચાલક લાંચ આપવા માંગતા નહોતા. જેથી ભાવનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ફરીયાદ આધારે ભાવનગર એસીબી પોલીસે લાંચનું છટકુ ગોઠવતાં હેતુલક્ષી વાતચીત કરી વિભાગીય નિયામક અશોક પરમારે ફરીયાદી એવા ટ્રાવેલ સંચાલક પાસેથી લાંચના નાણાં રૂા.50,000/- ની માંગણી કરી હતી. આ દરમ્યાન વિભાગીય નિયામકના બંગલે આચાનક એસીબી પોલીસે ત્રાટકી રંગેહાથ ઝડપી પાડ્યા હતા. આ સફળ ટ્રેપમાં ટ્રેપિંગ અધિકારી કમ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.પટેલ અને સુપર વિઝન અધિકારી તરીકે પી.આર.રાઠોડ, મદદનિશ નિયામક,
એ.સી.બી. ભાવનગર એકમે મોટી કામગીરી કરી હતી.