ભાવનગરઃ પુત્રને ડૂબતો જોઈ માતા, બહેન અને ભાભી બચાવવા ડેમમાં કૂદી પડ્યા, એક જ પરિવારના 4 લોકોના મોત

આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતાં અને ગામમાં જાણ કરતાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા. મોટા ખુંટવડા પોલીસ તથા મહુવા ફાયરબ્રિગેડને અને મામલતદારને જાણ કરતાં સમગ્ર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
 
4 MOT

અટલ સમાચાર, ડેસ્ક

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સેદરડા ગામમાં અકસ્માતે એક યુવક રોઝકી ડેમમાં પડી ગયો હતો. જેને બચાવવા જતાં યુવાનની માતા, બહેન અને ભાભી પણ ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા. જેને લઈ એક જ પરિવારના ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા છે. જેથી નાના એવા ગામમાં શોકનો માહોલ છવાયો છે.


સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર જિલ્લાના મહુવા તાલુકાના સેદરડા ગામે રહેતા અને ખેતી-પશુપાલન સાથે સંકળાયેલા એક પરીવારની મહિલાઓ બપોરના સુમારે ગામની સીમમાં આવેલા રોઝકી ડેમ ખાતે કપડાં ધોવા માટે ગઈ હતી. જેમાં મંગુબેન આણંદભાઈ બારૈયા ઉ.વ.45, કાજલબેન પ્રદિપભાઈ બારૈયા ઉ.વ.21, દક્ષાબેન મનુ ઉર્ફે મુન્નાભાઈ શિયાળ ઉ.વ.22 તેમજ મહિલાઓની સાથે 21 વર્ષિય યુવક નિકુલ આણંદભાઈ બારૈયા પણ ડેમ ખાતે હાજર હતો.

આ દરમિયાન નિકુલ ડેમના પાળે આંટો મારી રહ્યો હતો, ત્યારે અકસ્માતે તેનો પગ લપસતા તે ઉંડા પાણીમાં ડૂબવા લાગ્યો હતો. જેથી કપડાં ધોઈ રહેલી તેની માતા મંગુબેને પુત્રને બચાવવા પાણીમાં ઝંપલાવ્યું હતું. જેમાં એ પણ ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગતાં પુત્રવધૂ કાજલબેન પણ સાસુ અને દિયરને બચાવવા પાણીમાં છલાંગ લગાવી હતી. જોકે, આ ત્રણેય પૈકી એક પણ વ્યક્તિને તરતા આવડતું ન હોય આથી ત્રણેય લોકો ડૂબવા લાગ્યા હતા. આ જોઈ કાંઠે ઉભેલી દક્ષાબેને પણ આ ત્રણેય વ્યક્તિઓને બચાવવા જતાં એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતાં અને ગામમાં જાણ કરતાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા. મોટા ખુંટવડા પોલીસ તથા મહુવા ફાયરબ્રિગેડને અને મામલતદારને જાણ કરતાં સમગ્ર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. એક જ પરીવારના પુત્ર, માતા, બહેન અને ભાભીની લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ગોઝારી ઘટનાને પગલે સેદરડા ગામમાં ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું. સમગ્ર બનાવ અંગે મોટા ખુંટવડા પોલીસે તપાસ હાથ ધરી છે.