શ્રધ્ધા@કચ્છ: 450 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર માતાના મઢમાં 2 વાર પત્રીવિધિ યોજાઈ, જાણો શું છે કારણ ?
અટલ સમાચાર, ડેસ્ક
રાજ્ય સહિત દેશભરના કરોડો લોકોની આસ્થાના પ્રતિક સમાન કચ્છમાં માં આશાપુરાના મઢ ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામતી હોય છે. ત્યારે ગઇકાલે કચ્છના આંગણે માતાના મઢ ખાતે 450 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર બે વખત પત્રી વિધિ યોજાઇ હતી.
અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો
માતાના મઢ ખાતે પ્રથમ રાજપરિવારના હનુમંતસિંહજીએ પત્રી વિધિ કરી હતી. ત્યારબાદ સ્વર્ગસ્થ મહારાવ પ્રાગમલજી ત્રીજાના પત્ની મહારાણી પ્રિતિદેવીએ પણ પતરી વિધિ કરી હતી. આ પવિત્ર વિધિ વેળાએ મોટી સંખ્યામાં માઇભક્તો સહભાગી થયા હતા. આ પૂર્વે ચાચરાકુંડથી ચામર યાત્રા પણ નીકળી હતી.
પત્રી વિધિ એટલે શું ?
નવરાત્રી પર્વ દરમ્યાન આશાપુરા માતાજીના નવ દિવસ હોમ હવન કરવામાં આવે છે અને આસો માસની નવરાત્રીની આઠમના રોજ આ પતરી વિધિ યોજાય છે. આ દિવસે રાજપરિવારના મહારાવ સૂર્યોદય પહેલાં ચાચરકુંડમાં સ્નાન કરી ચાચરા ભવાની મંદિરમાં પૂજા અર્ચના કરે છે. ત્યાર બાદ ભુવો પતરી છોડના પાંદડાનો એક ઝુમખો બનાવવામાં આવે છે એને આશાપુરા માં ના મંદિરમાં માતાજીના જમણા ખભા ઉપર રાખવામા આવે છે. આ દરમ્યાન ડાક તથા ઝાંઝ પણ વગાડવામાં આવે છે. ત્યારબાદ મહારાજાઓ પછેડીનો પાથરી પતરી મેળવવા માતાજીને રિઝવે છે. જ્યાં સુધી મહરાજાઓના ખોળામાં પત્રી નથી પડતી ત્યાં સુધી ખડેપગે રહીને માતાજીની પ્રાર્થના કરવામાં આવે છે.
નોંધનીય છે કે, 2010ના લખપત કોર્ટના નિર્દેશ બાદ રાજ પરિવારના મોટાપુત્ર સ્વ. પ્રાગમલજી ત્રીજાએ ભુજ જિલ્લા કોર્ટમાં માતાનામઢના પૂજારી યોગેન્દ્રસિંહજી રાજાબાવા , તેમના નાના ભાઈ હનુમંતસિંહજી જાડેજા અને દેવેન્દ્રસિંહજી જાડેજા વિરુદ્ધ ચામર પત્રી વિધિ અંગે કોર્ટ સમક્ષ અપીલ કરી હતી. ઘણા વર્ષોથી આ મામલો કોર્ટમાં પેન્ડિંગ પડ્યો હતો ત્યારે આ નવરાત્રી પહેલા ચામર વિધી અંગે પણ ભૂજ કોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો હતો. માતાના મઢ ખાતે યોજાતી ચામર વિધિનો એકમાત્ર અધિકાર કચ્છના રાજવી પરિવારના સ્વ. યુવરાજ પ્રાગમલજી ત્રીજાના ધર્મપત્ની મહારાણી પ્રીતિદેવીને આપવામાં આવ્યો છે.
જાણો શું હતો સમગ્ર વિવાદ ?
વાત જાણે એમ છે કે, વર્ષ 2010માં કચ્છનાં રાજવી પરિવારનાં સ્વર્ગસ્થ જયેષ્ઠ યુવરાજ પ્રાગમલજી ત્રીજાએ પત્રી વિધિ અંગે લખપત-દયાપરની કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં તેઓએ માંગણી કરી હતી કે, માતાના મઢ ખાતે આવેલા કચ્છનાં દેશદેવી એવા કુળદેવી માં આશાપુરાના મંદિરમાં તેઓ અથવા તેમના દ્વારા નિયુક્ત વ્યક્તિને ચામર-પત્રી વિધિ કરવા દેવામાં આવે. જેમાં દયાપરની કોર્ટે એવો ચુકાદો આપ્યો હતો કે, પ્રાગમલજી પોતે વિધિ કરી શકે છે પરંતુ તેઓ કોઈને આ અંગેનો અધિકાર કે નિયુક્ત ન કરી શકે. જેની સામે પ્રાગમલજી દ્વારા ભુજની ડિસ્ટ્રીકટ કોર્ટમાં માતાના મઢ મંદિરના પૂજારી યોગેન્દ્રસિંહજી ગુરુ કરમશી રાજાબાવા તેમજ નાના ભાઈ હનુવંતસિંહ જાડેજા તથા દેવેન્દ્રસિંહજી જાડેજા વિરુદ્ધ અપીલ કરવામાં આવી હતી.
આ દરમ્યાન કચ્છનાં રાજવી પરિવારનાં મોભી સ્વ. પ્રાગમલજી ત્રીજાનું અવસાન થયું હતું. જેને પગલે એમના પત્નિ મહારાણી પ્રીતિદેવીએ ભુજ કોર્ટમાં આ કેસ સંદર્ભે અપીલ કરી હતી. પ્રીતિદેવીની એકલાની અપીલ ઉપરાંત સ્વ. પ્રાગમલજી ત્રીજાએ તેમની હયાતી દરમ્યાન કુંવર તરીકે જેમની જાહેરાત કરી હતી તેવા ઇન્દ્રજીતસિંહ જાડેજા સહિત તેરાના મયુરધ્વજસિંહ જાડેજા અને દેવપરના કૃતાર્થસિંહ જાડેજા પણ આ મામલામાં પક્ષકાર તરીકે જોડાયા હતા. જોકે કોર્ટે ત્રણેયની અપીલ કાઢી હતી. અને પ્રીતિદેવીને આજીવન ચામર પત્રી વિધિ માટેનો હક હોવાનો ચુકાદો આપ્યો હતો.