નિર્ણય@ગુજરાત: રાજ્ય સરકારની આ જિલ્લાને દિવાળી ભેટ, આ તારીખથી નર્મદા કેનાલમાં છોડાશે પાણી

 
Bhupendra Patel

અટલ સમાચાર, ડેસ્ક 

કચ્છ જિલ્લાની જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં પાણી છોડવા માટે અંજારના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહિર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરાયા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે કચ્છની નર્મદા કેનાલમાં પાણી છોડવાનો આદેશ આપ્યો છે. છેલ્લા એક મહિનાથી પૂર્વ કચ્છના ફતેહગઢ સંપ હાઉસથી નીકળતી નર્મદા કેનાલનું સમારકામ ચાલી રહ્યું છે. જેના કારણે આ કેનાલમાં સંભવત દિવાળી બાદ જ નર્મદાના પાણીનું આગમન થઈ શકે તેમ હોવાથી નર્મદા કેનાલમાં દિવાળી પહેલા પાણી છોડવા માટે વિવિધ ગામોના સરપંચો, ખેડૂતો અને જિલ્લા-તાલુકા પંચાયતના તેમજ સંગઠનના પદાધિકારીઓ દ્વારા અંજારના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરને રજૂઆત કરવામાં આવી હતી.

અંજારના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિર દ્વારા દિવાળી પહેલા જ કેનાલમાં પાણી છોડવામાં આવે એવો ભલામણ પત્ર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખવામાં આવ્યો હતો. જે બાદ આજે CM ભૂપેન્દ્ર પટેલે કચ્છની નર્મદા કેનાલમાં પાણી છોડવાનો આદેશ આપ્યો છે. આગામી 21 ઓક્ટોબરથી નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવશે. આ સમાચાર સામે આવ્યા બાદ કચ્છના અન્નદાતાઓમાં ખુશીનો માહોલ છવાયો છે.  

આ અંગે ગતરોજ અંજાર મત વિસ્તારના ધારાસભ્ય વાસણ આહિરે જણાવ્યું હતું કે, મને ખેડૂત મિત્રો દ્વારા તાત્કાલિક અસરથી કચ્છની નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવે તો રવિ સિઝનમાં સિંચાઈનો લાભ મળી શકે અને રવિ પાક વાવી શકાય અને ચોમાસામાં વાવેતર કરેલા પાકને પણ ફાયદો મળી શકે તે માટેની રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોની રજૂઆતના પગલે મેં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને વિભાગ દ્વારા હાલ ચાલી રહેલા કેનાલ સમારકામમાં ઝડપ લાવી પૂર્ણ કરવામાં આવે અને કચ્છ જિલ્લાની જીવાદોરી સમાન નર્મદા કેનાલમાં દિવાળી પહેલા પાણી છોડવામાં આવે તેવો ભલામણ પત્ર લખ્યો છે.