રાજનીતિ@ગુજરાત: ઈશુદાન ગઢવી પર હુમલા બાદ BJP છોડી AAPમાં જોડાઈ MLA બન્યા હતા આ નેતા, હવે કરશે કેસરિયા

 
Bhupat Bhayaani

અટલ સમાચાર, ડેસ્ક

લોકસભા ચુંટણી પહેલા રાજ્યમાં ફરી એકવાર પક્ષપલટાની મોસમ શરૂ થઈ છે. આ દરમિયાન મોટા સમાચાર સામે આવ્યા છે કે, આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપનાર પૂર્વ MLA ભૂપત ભાયાણી હવે કેસરીયો ધારણ કરશે. આગામી 3 જી ફેબ્રુઆરીએ ભેસાણ ખાતે જંગી સભાનું આયોજન કરાયું છે. આ સભામાં ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પણ હાજર રહેશે. આ દરમિયાન જ ભૂપત ભાયાણી સહિત મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાશે. 

આમ આદમી પાર્ટીના મેન્ડેડ ઉપર ચૂંટણી લડનારા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ જણાવ્યું છે કે, 3જી ફેબ્રુઆરીએ હું ઘરવાપસી કરવાનો છું. મારી સાથે 2 હજાર લોકો ભાજપમાં જોડાશે. લોકસભાની ચૂંટણી મારે નથી લડવી, મારા વિસ્તારના લોકોની સેવા કરવી છે. આ સેહે મોટી નિવેદન આપતા કહ્યું કે, જૂનાગઢ લોકસભા અને વિસાવદર પેટાચૂંટણી ભાજપને હારવાની કોઈની તાકાત નથી.

હવે આપણે જાણીશું કે, કોણ છે ભૂપત ભાયાણી ? 2022ની વિધાનસભા ચુંટણીમાં AAP ના મેન્ડેડ પર ભાજપના હર્ષદ રિબડીયાને હરાવી ભૂપત ભાયાણી MLA બન્યા હતા. ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડિયા સામે ચૂંટણી જીતી હતી. ભૂપત ભાયાણીએ બે વર્ષ અગાઉ ભાજપ પાર્ટી છોડી હતી. તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે. કોરોના કાળમાં ભેંસાણમાં કોવિડ સેન્ટર ખોલી લોકોને મદદ કરી હતી.

વિસાવદરના AAPનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીએ 13 ડિસેમ્બરે MLA પદેથી આપ્યુ રાજીનામું હતું. ભાયાણીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું આપ્યું હતું. વિધાનસભા અધ્યક્ષે ભૂપત ભાયાણીના રાજીનામાનો સ્વીકાર કર્યો હતો. આ તરફ ભાયાણીના રાજીનામાં બાદ વિધાનસભાનું સંખ્યાબળ ખંડીત થઈને 181 થયું હતું. ભૂપત ભાયાણીએ રાજીનામા પર કહ્યું કે, મેં મારા કાર્યકર્તા અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યો છે.

 

જોકે ભૂપત ભાયાણીએ અગાઉ કહ્યું હતું કે, વિસાવદર બેઠક પર ભાજપમાંથી હું જ ચૂંટણી લડીશ. ચૂંટણી લડવાના કમિટમેન્ટ સાથે જ હું ભાજપમાં જોડાયો હતો. વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણી જીત મેળવી જાયન્ટ કિલર સાબિત થયા હતા. ભાજપે અહીં કોંગ્રેસ છોડીને આવેલા હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હતી તો કોંગ્રેસે કરશન વડોદરિયાને મેદાને ઉતાર્યા હતા. જોકે આપના ભૂપત ભાયાણી આ બંને ઉમેદવારોને હાર આપી જીત મેળવવામાં સફળ રહ્યા હતા.  

 

અહીં રસપ્રદ વાત તો એ છે કે, તમને કદાચ ખ્યાલ નહિ હોય પણ ભૂપત ભાયાણી પહેલાં ભાજપમાં જ હતા. ભૂપત ભાયાણી આગાઉ ભારતીય જનતા પાર્ટીમાં જ હતા અને એક વખત જિલ્લા પંચાયત અને બે વખત તાલુકા પંચાયતમાં ભાજપમાંથી વિજેતા પણ બન્યા હતા. ઉપરાંત તેમને જૂનાગઢ જિલ્લા ભાજપ સંગઠનના ઉપપ્રમુખની પણ જવાબદારી સોંપવામાં આવી હતી. ભૂપત ભાયાણી 2020માં જ ભાજપમાંથી AAPમાં જોડાયા હતા. સેવા અને સમર્પણની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે અહીં એ પણ નોંધનીય છે કે, ગરીબ દીકરીઓનાં સમૂહલગ્ન કરાવવાં, સમાજની વાડી માટેનાં કામો હોય, ગૌચરના વિકાસનાં કાર્યો હોય અથવા શ્રમિકોના કે ખેડૂતોના પ્રશ્નો હોય કોરોના સમયમાં ભેંસાણમાં સૌપ્રથમ કોવિડ સેન્ટર ખોલી સેવાકાર્ય કરી હજારો લોકોને મદદ કરી છે, તેમણે કરેલા કામને લોકોએ બિરદાવીને જિતાડ્યા હતા.  

વિસાવદર વિધાનસભા વિસ્તારમાં આવેલા અને અંદાજે 12 હજારની વસતિ ધરાવતા ભેંસાણ ગામમાં ભૂપત ભાયાણી સરપંચ તરીકે કાર્યરત હતા. જે-તે સમયે તેઓ ભાજપ માટે કામગીરી કરતા હતા. એ સમયે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી પર હુમલો થવાની ઘટના બાદ ભૂપત ભાયાણી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. આ કારણસર ભાજપે ભૂપત ભાયાણીને સસ્પેન્ડ કર્યા હોવાની પણ ચર્ચા  હતી. આ પછી વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ ભૂપત ભાયાણી સીધા જ ગાંધીનગર ખાતે પહોંચી ગયા હતા અને એ સમયે મીડિયા ઈન્ટરવ્યૂ દરમિયાન પ્રધાનમંત્રીના ગુણ ગાઈ રહ્યા હતા. બાદમાં રાજીનામું આપવાનું તેમણે નાટક ઊભું કર્યું હતું.