આગાહી@ગુજરાત: સપ્ટેમ્બરની શરુઆતમાં વરસાદને લઈ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે શું કહ્યું ?

 
Abhimanyu Chauhan

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે હવામાનના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ દ્વારા માહિતી આપવામાં આવી છે, જેમાં તેમણે રાજ્યમાં વરાસાદનું પ્રમાણ બહુ જ ઓછું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. ઓગસ્ટમાં ચોમાસું નબળું પડ્યું છે ત્યારે ચાલુ અઠવાડિયાના આગામી દિવસો તથા સપ્ટેમ્બરની શરુઆતમાં વરસાદ અંગે કોઈ ચેતવણી કે ભારે વરસાદ અંગેનું એલર્ટ આપવામાં આવ્યું નથી. જૂન અને જુલાઈમાં વરસાદના ધમાકેદાર રાઉન્ટ રહ્યા પછી જાણે મેઘરાજા રિસાયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુએ મંગળવારે રાજ્યનું હવામાન આગામી દિવસોમાં કેવું રહેશે તે અંગે સંભાવનાઓ વ્યક્ત કરી હતી જેમાં આજના દિવસ માટે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. જેમાં ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ પછી 31 ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં વરસાદ થવાની સંભાવનાઓ બહુ જ ઓછી છે. આ દરમિયાન રાજ્યનું હવામાન સૂકું રહેવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. દેશના ગુજરાત સહિતના પૂર્વ તથા અન્ય ભાગોમાંથી ચોમાસું ખેંચાયું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

હવામાન વિભાગે મંગળવારે એક અઠવાડિયાની આગાહી કરી છે જેમાં રાજ્યમાં કોઈ નવી વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ ન હોવાનું જણાવ્યું છે. એટલે ઓગસ્ટની જેમ સપ્ટેમ્બરની શરુઆત પણ નબળી રહેવાની શક્યતાઓ જોવાઈ રહી છે. નોંધનીય છે કે રાજ્યમાંથી એક તરફ વરસાદ ખેંચાયો છે ત્યારે ગરમીનું પ્રમાણ પણ વધવાની સંભાવનાઓ જોવાઈ રહી છે. જોકે, હાલ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને ભેજનું પ્રમાણ વધુ હોવાથી ગરમીનું પ્રમાણ વધ્યું નથી. આ સાથે સામાન્યથી વધુ તાપમાન થવાની સંભાવનાઓ હાલ જોવાઈ રહી નથી.

ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 95.5 ટકા વરસાદ થઈ ચૂક્યો છે. ઓગસ્ટ માસમાં થયેલા નબળા વરસાદ અંગે હવામાન વિભાગે જણાવ્યું કે, ઓગસ્ટમાં ચોમાસું નબળું રહ્યું અને તેની પાછળનું કારણ અલનીનોની અસર છે. પાછલા 10 વર્ષોમાં આ વર્ષે ઓગસ્ટમાં ઓછો વરસાદ નોંધાયો છે. અંબાલાલ પટેલે પણ રાજ્યમાં વરસાદ ગાયબ થયા બાદ ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જોકે, તેમણે ગરમી વધવાથી નવી સિસ્ટમો ઉભી થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે.